સુરેન્દ્રનગરના મુળી, સાયલા, થાન તાલુકામાં ખનીજ ચોરી રોકવા ટીમો બનાવાઇ
- ગેરકાયદેસર ખનીજ ચોરી રોકવા તંત્ર મોડે મોડે જાગ્યું
- તંત્ર દ્વારા પૂરેલા કૂવામાં ફરી ખોદકામથી થતી જાનહાની રોકવા લોકોને માર્ગદર્શન આપવામાં આવશે
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના મુળી, સાયલા અને થાન તાલુકામાં ભુમાફીયાઓ દ્વારા મોટા ગેરકાયદેસર ખનીજચોરી થતી હોવાની ફરિયાદોને ધ્યાને લઈ વહીવટીતંત્ર તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજચોરી માટે કરેલા કૂવાઓ પૂરવાની કામગીરી હાથધરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા પૂરેલા કુવાઓમાં ફરી ભુમાફીયાઓ દ્વારા શ્રમીકો પાસે ગેરકાયદેસર ખોદકામ કરાવતા હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા એક મહિનામાં આવા ખોદકામ દરમિયાન શ્રમીકોના મોતના બનાવો પણ બની ચુક્યા છે જેને ધ્યાને લઈ આવા બનાવો રોકવા તંત્ર દ્વારા એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે.
મુળી, સાયલા અને થાન તાલુકાના ગામોમાં કાર્બોસેલ તેમજ અન્ય ખનીજોના ગેરકાયદેસર ખોદકામથી થયેલા કુવાઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગેરકાયદેસર ખોદકામ અટકે તે માટે તંત્ર દ્વારા પૂરવાની કામગીરી હાથધરવામાં આવી છે પરંતુ પૂરી દીધેલા કુવાઓ ફરી ભુમાફીયાઓ દ્વારા શ્રમીકો પાસે ખોદકામ કરાવવાની પ્રવૃત્તિઓ થતા આવા કુવામાં ગેસ ગળતરથી ગુંગળામણના કારણે જાનહાનીના બનાવો પણ બની રહ્યાં છે ત્યારે આવી જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ગ્રામજનોને જાગૃત કરવા તંત્ર સર્તક બન્યું છે અને એક વિશેષ ટીમની રચના પણ કરવામાં આવી છે.
જે મામલે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં ખનન સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તેમાં રહેલા ઝેરી વાયુઓના જોખમ સામે સ્થાનિક ગામલોકોને જાગૃત કરવા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, આર.એફ.ઓ., માઈન્સ સુપરવાઇઝર, જીપીસીબીના મદદનીશ ઇજનેર, લેબર ઇન્સ્પેકટર સરપંચ, તલાટી એમ વિવિધ વિભાગના અધિકારીઓની વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.
સંબંધિત પ્રાંત અધિકારીઓના માર્ગદર્શન નીચે આ ટીમ સાયલાના-૩, થાનગઢના-૧૦ અને મૂળી તાલુકાના-૧૦ ગામોમાં પુરાણ કરેલાં કૂવામાં ઉત્પન્ન થતા ઘાતક ઝેરી વાયુઓના જોખમ અને આ પ્રવૃતિ ગેરકાયદેસર હોવા અંગે માર્ગદર્શન અને સમજણ પુરી પાડશે.