ચોટીલા હાઈવે પરથી 22.36 લાખનો દારૃ ભરેલું ટેન્કર ઝડપાયું
- એસએમસીની રેડ : ટેન્કર ચાલકની ધરપકડ
- બલદેવ હોટેલના કમ્પાઉન્ડમાં પડેલા ટેન્કરમાંથી દારૃની 3536 બોટલો સહિત રૃા. 33.01 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર : ચોટીલા હાઈવે પર આવેલી એક હોટલના કંમ્પાઉન્ડમાંથી રૃા. ૨૨.૩૬ લાખના દારૃ અને ટેન્કર સહિતના મુદ્દામાલ સાથે ચાલકને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
એસએમસી ટીમના પીએસઆઈ સહિતના સ્ટાફે નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ હાથધર્યું હતુ. જેમાં ચોટીલા હાઈવે પર આવેલી બલદેવ હોટલના કંમ્પાઉન્ડમાં એક ટેન્કર શંકાસ્પદ હાલતમાં પડેલું જણાઈ આવતા ટેન્કરની તલાસી લેતા ટેન્કરમાં સંતાડેલ અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૃની ૩૫૩૬ બોટલ કિંમત રૃા.૨૨,૩૬,૫૬૧, ટેન્કર કિંમત રૃા.૧૦,૦૦,૦૦૦, મોબાઈલ કિંમત રૃા.૫,૦૦૦ સહિત કુલ રૃા.૩૩.૦૧ લાખના મુદ્દામાલ સાથે ટેન્કરચાલક અર્જુનદાસ અડુદાસ સદ રહે.સરવડી, જિલ્લો રાજસ્થાનવાળાને ઝડપી પાડયો હતો.
રાજસ્થાનના સરવડી ગામે રહેતા ચેનસીંગ શિવસીંગ રાજપૂતે ઈંગ્લીશ દારૃનો જથ્થો મોકલ્યો હતો અને રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા ગણેશ બિશ્નોઈએ દારૃનો જથ્થો ભરી આપ્યો હતો તેમજ રાજકોટના જેતપુર ખાતે રહેતા એક વ્યક્તિએ આ ઈંગ્લીશ દારૃનો જથ્થો મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી.
એસએમસી પોલીસે ઝડપાયેલા ટેન્કરચાલક સહિત દારૃનો જથ્થો મોકલનાર, ભરી આપનાર અને મંગાવનારા શખ્સ સહિત કુલ ચાર શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.