સુરેન્દ્રનગર જિલ્લામાં ઓવરલોડ ડમ્પર ચાલકોને તંત્રનો પીળો પરવાનો
- સરા આઉટ પોસ્ટ પોલીસ ચોકી મોટાભાગે બંધ
- ઓવરલોડ ડમ્પરો સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો સામેથી માતેલા સાંઢની જેમ નીકળતા હોવા છતાં પગલા લેવાતા નથી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના મુળી સહિતના તાલુકાઓમાં ભૂમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. મુળીના સરા ગામ પાસેથી ગેરકાયદેસર ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરો ખુલ્લેઆમ પસાર થતા હોવા છતાં મુળી પોલીસ કે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ન કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. બીજી બાજુ સરા આઉટપોસ્ટ પોલીસ ચોકી પણ મોટાભાગે બંધ રાખવામાં આવતી હોવાથી પોલીસની પણ મીલીભગત હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
મુળી તાલુકામાં ભૂમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ અને સફેદ માટીનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠી છે. મુળીના સરા ગામની સરા આઉટ પોસ્ટ પોલીસ ચોકી પાસેથી જ ગેરકાયદેસર અને ઓવરલોડ ડમ્પરો ખુલ્લેઆમ પસાર થતાં હોવા છતાં મુળી કે સરા પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજચોરી અટકાવવા માટે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત સરામાં દેશી દારૃ તેમજ ગેરકાયદેસર ખનીજચોરી થતી હોવા છતાં મુળી પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ સરા આઉટપોસ્ટ પોલીસ ચોકીને હંમેશા તાળુ મારેલી જ જોવા મળે છે. આથી તંત્રની મીલીભગતથી જ ખનીજચોરી થતી હોવાની ચર્ચા સ્થાનીકોમાં થઇ રહી છે.
ગેરકાયદે ખનીજ ચોરી કરી રહેલા ડમ્પરચાલકો મોટાભાગે પીધેલી હાલતમાં ઓવરલોડ મુદ્દામાલ ભરી પસાર થાય છે જેના કારણે અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો પણ ભૂમાફિયાઓ ધમકાવતા હોવાના કારણે વિરોધ કરતા નથી. ગેરકાયદે ખનનને કારણે કુદરતી સંપત્તિને નુકસાન પહોંચી રહ્યું છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતાં ભૂમાફીયાઓ બેફામ બન્યા છે ત્યારે ખનીજચોરી અટકાવામાં સરા ચોકડીથી હળવદ-મોરબી તરફ જતા ઓવરલોડ ડમ્પરચાલકો સામે કડક કાર્યવાહી કરવા માગ ઉઠી છે. સરા આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં પણ પોલીસ સ્ટાફ મુકવામાં આવે તેવી પણ સ્થાનીકોએ જિલ્લા કલેકટર તેમજ ડીએસપીને માગ કરી છે.