સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નં. 6 ના સ્થાનિકોએ બેનરો સાથે બાઈક રેલી યોજી
- પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે રજૂઆત
- પાલિકા કચેરી અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી સુવિધા પુરી પાડવા ઉગ્ર માંગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ નંબર-૬માં અનુસુચિત જાતિના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ નહિ મળતી હોવાની રજૂઆત સાથે વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સંતોષ પાર્કથી જિલ્લા કલેકટર કચેરી સુધી સમાન સુવિધા અધિકાર યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ વિવિધ બેનરો અને ડીજે સાથે બાઈક રેલી યોજી ઉગ્ર રજૂઆત કરી હતી.
આ અંગે રજૂઆતમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના તમામ ૧૩ વોર્ડમાં રહેતા રહીશોને પાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે પરંતુ સંયુક્ત પાલિકાના વોર્ડ નં.૬માં આવેલા અનુસુચિત જાતિના વિસ્તારો જેમ કે, ચંદ્રનગર, સૂર્યનગર, વિરાટનગર, શ્રીજીનગર, સુગમ પાર્ક, સંત સવૈયાનાથ ટાઉનશીપ, રામદેવનગર, ઠાકરનગર, મોંઘીબેન મકવાણા શૈક્ષણિક સંકુલ સહિત આસપાસના વિસ્તારોમાં રહેતા અંદાજે ૧૨૦૦થી વધુ અનુ. જાતિના પરિવારોની અંદાજે ૬૦૦૦થી વધુ લોકોને છેલ્લા ઘણા વર્ષોથી રસ્તા, ગટર, પાણી, સફાઈ, લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી ના હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
તેમજ ગટરોના ગંદા પાણીનો નિકાલ ન થતા ઠેર ઠેર ગંદકી અને કચરો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આ વિસ્તારોમાં પીવાનું પાણી પણ પૂરતું અને નિયમિત આપવામાં ન આવતા મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જે અંગે અનેક વખત પાલિકાના સતાધીશોને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.
જેથી સ્થાનિકો દ્વારા વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સંતોષ પાર્કથી જિલ્લા કલેકટર કચેરી સુધી સમાન સુવિધા અધિકાર યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો વિવિધ સમસ્યાઓ સાથેના બેનરો સાથે બાઈક રેલીમાં જોડાયા હતા અને શહેરના મુખ્ય માર્ગો પરથી યાત્રા કાઢી સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા કચેરી તથા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની ઉગ્ર માંગ કરી હતી.
તેમજ આગામી દિવસોમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. જ્યારે રજૂઆતને પગલે પાલિકા પ્રમુખે એક મહિનામાં તમામ સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી.