સુરેન્દ્રનગર પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ નિર્માણની ધીમી કામગીરીથી હાલાકી

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ નિર્માણની ધીમી કામગીરીથી હાલાકી 1 - image


- એક માત્ર સ્વિમિંગ પુલનું કામ ઝડપી પૂર્ણ કરવા માંગણી

- બે કરોડના ખર્ચે તૈયાર થનારો સ્વિમિંગ પુલ બે વર્ષ થવા છતાં પૂર્ણ નહીં થતા તરવૈયા સહિત વિદ્યાર્થીઓમાં રોષ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા દ્વારા સંચાલિત સ્વીમીંગ પુલ જર્જરીત થયા બાદ નવનિર્માણની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ ખુબ જ ધીમી ગતિએ ચાલતી આ કામગીરીના કારણે સ્વીમીંગ પુલના નવનિર્માણનું કામ પૂર્ણ ન થતાં યુવાનો સહિત તરવૈયાઓને હાલાકી પડી રહી છે અને ઝડપથી સ્વીમીંગ પુલની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

 સુરેન્દ્રનગર શહેરના મેઘાણી બાગ રોડ પર પાલિકા સંચાલિત એક માત્ર સ્વીમીંગ પુલ આવેલો છે. જ્યાં થોડા વર્ષો પહેલા શહેરી વિસ્તાર સહિત આસપાસના વિસ્તારના નાના બાળકો સહિત યુવાનો તરવા માટે આવતા હતા અને સ્વીમીંગ કોચની મદદથી જિલ્લા સહિત રાષ્ટ્રીયકક્ષા સુધી સ્વીમીંગની સ્પર્ધામાં ભાગ લઈ ઝાલાવાડનું ગૌરવ વધારી ચુક્યા છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી સ્વીમીંગ પુલ જર્જરીત થઈ જતાં પાલિકા તંત્ર દ્વારા તેને પાડી વિવિધ સુવિધાઓ સાથે અંદાજે બે કરોડ રૂપિયાના ખર્ચે સ્વીમીંગ પુલના નવનિર્માણની કામગીરી હાલ ચાલી રહી છે. 

આ કામગીરી છેલ્લા દોઢ-બે વર્ષથી અને ખુબ જ મંદગતિએ ચાલતી હોવાથી અનેક યુવાનો સહિત તરવૈયાઓને હાલાકી પડી રહી છે. જ્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર જીલ્લામાં અનેક યુવાનો અને તરવૈયાઓને તરવા માટે સ્વીમીંગ પુલનું યોગ્ય પ્લેટફોર્મ ન મળતા સ્વીમીંગ ક્ષેત્રે જિલ્લાના વિકાસ પર હાલ બ્રેક લાગી ચુકી છે. 

પાલિકા સંચાલિત સ્વીમીંગ પુલમાં દરેક વર્ગના બાળકો સહિત યુવાનો સ્વીમીંગની મજા માણવા સાથે સાથે સ્વીમીંગ શીખવા માટે આવતા હતા પરંતુ સ્વીમીંગ પુલ હાલ બંધ હોવાથી આર્થિક રીતે મધ્યમવર્ગના પરિવારના બાળકોને હાલાકી પડી રહી છે અને અન્ય જગ્યાએ સ્વીમીંગ શીખી શકે તેવી આર્થિક પરિસ્થિતિ ન હોવાથી બેસી રહેવાનો વારો આવ્યો છે.

પાલિકાના ચીફ ઓફીસરના જણાવ્યા મુજબ, હાલ મેધાણી બાગ રોડ પર પાલિકા સંચાલિત સ્વીમીંગ પુલની ટેન્ડર મુજબની નવનિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને આગામી દોઢ થી બે મહિનામાં આ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ પ્રજાજનોને સ્વીમીંગ પુલ સાથે સાથે ગાર્ડન, યોગા સેન્ટર સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. 

રાજ્ય સરકાર દ્વારા એકતરફ રમત-ગમતમાં યુવાનો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ સ્થાનીક તંત્રની અણઆવડત અને બેદરકારીના કારણે પ્રજાજનો સુવિધાઓથી વંચીત રહે છે. ત્યારે આ અંગે તાત્કાલીક ઉચ્ચકક્ષાએથી તપાસ હાથધરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.


Google NewsGoogle News