Get The App

સુરેન્દ્રનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત 60 સફાઈ કામદારોને છૂટા કરી દેતા રોષ

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત 60 સફાઈ કામદારોને છૂટા કરી દેતા રોષ 1 - image


- રાજ્ય કર્મચારી સંઘની ચીફ ઓફિસરને રજૂઆત

- નોકરી પર પરત લેવામાં નહીં આવે તો પ્રતિક ધરણા તેમજ ઉગ્ર આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં અનુજાતીના અતિ પછાત એવા વાલ્મિકી સમાજના અંદાજે ૨૫૦થી વધુ સફાઈ કામદારો ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં ૬૦ જેટલા કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને કોઈપણ જાતની જાણ કે નોટિસ વગર છુટા કરી દેવામાં આવતાં ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા પાલિકાના સત્તાધીશોને છુટા કરેલા સફાઈ કામદારોને કામ પર પરત લેવા લેખીત રજુઆત કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા વાલ્મીકી સમાજના અંદાજે ૨૫૦ જેટલા સફાઈ કામદારો શહેરને સ્વચ્છત રાખવાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યાં છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોમાં પગાર પણ કરવામાં ન આવતાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. પાલિકાનો વધતો વિસ્તાર અને વસ્તીને ધ્યાને લઈ હાલ ૩૫૦થી વધુ સફાઈ કામદારોની જરૃરીયાત હોવા છતાં ઓછા સફાઈ કામદારોમાં શહેરી સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. જેનાથી સફાઈ કામદારોમાં કામનું ભારણ વધી રહ્યું છે. ત્યારે તાજેતરમાં અચાનક તમામ ઝોનમાંથી સફાઈ કામદારોને છુટ્ટા કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૮માં જનરલ બોર્ડના ઠરાવ મુજબ પાલિકામાં ૧૪૦ ફુલટાઈમ લેબર સેનીટેશન વિભાગ માટે સફાઈ કામદારોની મંજુરી આપવામાં આવી છે. આથી કુલ ૨૮૦ પાર્ટટાઈમ સફાઈ કામદારો રાખવાના થતા હોય છે છતાં ગત ફેબુ્રઆરી-૨૦૨૪માં ૬૦ સફાઈ કામદારોને ફરજ પર પરત લેવા માટે સમાધાન કરવામાં આવ્યું હતું. પરંતુ ફરી અચાનક ગત તા.૧ સપ્ટેમ્બરથી પાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતની નોટિસ કે જાણ કર્યા વગર ૬૦ જેટલા કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને છુટા કરી દેવામાં આવ્યા છે. જે અંગે રજુઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે છુટ્ટા કરેલા સફાઈ કામદારોએ ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા નોકરી પર પરત લેવાની માંગ  સાથે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફીસરને લેખીત રજુઆત કરી હતી. આ અંગે કોઈ જ  ઉકેલ નહિં આવે તો આગામી દિવસોમાં પાલિકા કચેરી બહાર પ્રતિક ધરણા તેમજ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.



Google NewsGoogle News