સુરેન્દ્રનગર પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારો આજથી હડતાળ પર
- સાફ-સફાઇની કામગીરી આજથી ખોરવાશે
- ત્રણ મહિનાનો બાકી પગાર, છુટ્ટા કરેલ કામદારોને નોકરી પર લેવા સહિતની માંગો પુરી ન થતાં વિરોધ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકામાં ફરજ બજાવતા અનુ.જાતિના અતિ પછાત એવા વાલ્મીકી સમાજના કોન્ટ્રાક્ટબેઈઝ અંદાજે ૩૦૦થી વધુ સફાઈ કામદારોને છેલ્લા ત્રણ મહિનાથી કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ચુકવવામાં ન આવતાં પરિવારનું ગુજરાન ચલાવવામાં હાલાકી પડી રહી છે જે અંગે અનેક વખત રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં આજથી કોન્ટ્રાક્ટબેઈઝ સફાઈ કામદારો કામગીરી બંધ કરી હડતાળ પર જશે અને વિવિધ કાર્યક્રમો આપશે જે અંગે સફાઈ કામદારોની એક બેઠક યોજાઈ હતી જેમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં ફરજ બજાવતા અંદાજે ૩૦૦થી વધુ કોન્ટ્રાક્ટબેઈઝ સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ૩ મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી નિયમ મુજબ કોન્ટ્રાક્ટર પગાર ન ચુકવે તો પાલિકા તંત્રને ચુકવવાનો હોય છે. તેમજ અમુક ઝોનમાંથી પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટબેઈઝ સફાઈ કામદારોને છુટ્ટા કરવામાં આવ્યા છે, ચીફ ઓફીસર મંજુરી વગર પાર્ટટાઈમ સફાઈ કામદારોને પટ્ટાવાળા દ્વારા બપોરે પણ કામ કરવા બોલાવે છે, કોન્ટ્રાક્ટબેઈઝ છુટ્ટા કરેલા સફાઈ કામદારોને નોકરી પર પરત લેવા, પગારસ્લીપ આપવી, ત્રણ મહિનાનો બાકીનો પગાર ચુકવવો સહિતની વિવિધ માંગો અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં આજથી કોન્ટ્રાક્ટબેઈઝ સફાઈ કામદારો હડતાળ પર જઈ વિરોધ કરશે જે અંગે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના પ્રમુખ મયુરભાઈ પાટડીયા, હિતેશભાઈ બારૈયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સફાઈ કામદારો સાથે બેઠક યોજાઈ હતી જેમાં સફાઈ કામદારોના પડતર પ્રશ્નો અંગે પાલિકા તંત્ર તેમજ સરકાર સામે લડત આપવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.