અણધડ તંત્ર: પાણી ન મળતા ગુજરાતના ખેડૂતોએ શિયાળુ પાક પર ટ્રેકટર ફેરવ્યું અને હવે ડેમ થયો ઓવરફ્લો

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
અણધડ તંત્ર: પાણી ન મળતા ગુજરાતના ખેડૂતોએ શિયાળુ પાક પર ટ્રેકટર ફેરવ્યું અને હવે ડેમ થયો ઓવરફ્લો 1 - image


અમદાવાદ,તા. 28 ડિસેમ્બર 2023, ગુરુવાર 

દેશ-દુનિયામાં સામાન્ય રીતે ચોમાસામાં ડેમ ઓવરફ્લો થવાના અહેવાલ આવતા હોય છે પરંતુ ગુજરાતમાં જાણે અવળી ગંગા વહી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. ગુજરાતનો એક પ્રખ્યાત ડેમ ભર શિયાળે ઓવરફ્લો થઈ રહ્યો છે અને પાણી કોઝવે પર ફરી વળ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરની ધરોહર સમાન ધોળીધજા ડેમ ભર શિયાળે ઓવરફ્લો થયો થયો છે. પાણીથી ડેમ છલોછલ છલકાતા પાણી કોઝવે પર ફરી વળ્યા છે. શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં ગાઢ ધુમ્મ્સને કારણે વાહન ચલાવવામાં તકલીફ પડતી હોય છે પરંતુ હાલ સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમના કોઝવે પર પાણીના વહેણને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

ચોંકાવનારી વાત એ છે કે, એક દિવસ અગાઉ જ સુરેન્દ્રનગરના ખેડૂતોએ પુરતું પાણી ન મળતા મહામૂલા પાક પર ટ્રેકટર ફેરવ્યું હતુ. બુધવારે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગામોમાં સૌની યોજના થકી નર્મદાના નીરથી તળાવ-ચેકડેમ ભરવામાં આવ્યા હતા અને તેને જોઈને જ ખેડૂતોએ રવિપાકમાં જીરું-વરીયાળીનું મોટાપ્રમાણમા વાવેતર કર્યું હતુ. જોકે હવે એકાએક સૌની યોજનાના અધિકારી દ્વારા અચાનક પાણી બંધ કરી દેતા 24 ડિસેમ્બરના રોજ મૂળીના વડધ્રા ગામે તંત્ર સામે લડત આપવા અને રણનીતિ ઘડવા સંમેલન યોજાયુ હતું જેમાં વીસ ગામના ખેડૂતો હાજર રહેલા. બુધવાર સુધી પાણી ન આપવાથી જીરુંનો પાક સુકાઈ જતા જગતના તાતે પોતાના પાક પર ટ્રેક્ટર ફેરવવાની નોબત આવી પડી હતી અને આજે આ ડેમ ઓવરફ્લોની સ્થિતિ કઈંક અલગ જ ચિત્ર રજૂ કરે છે.

એક તરફ પાણી આમ વહી રહ્યું છે, ડેમ ઓવરફ્લો છે અને બીજી તરફ ખેડૂતોને પાક ઉગવવા માટે પાણી ન મળતા પાકનો નાશ કરવાની ફરજ પડી રહી છે. આ દયનીય સ્થિતિ માટે તંત્રનું અણધડ આયોજન જવાબદાર છે. જોકે અંતે નુકશાન અને મરો જગતના તાતનું જ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: દુધઈમાં ખેડૂતે પોતાના જીરાના પાક પર રોટોવેટર ફેરવી રોષ ઠાલવ્યો


Google NewsGoogle News