Get The App

સુરેન્દ્રનગર શહેરમાં અનિયમિત અને અપૂરતું પાણી વિતરણથી હાલાકી

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર શહેરમાં અનિયમિત અને અપૂરતું પાણી વિતરણથી હાલાકી 1 - image


- પાલિકા તંત્રની બેદરકારીના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ

- એકાતરા આપવામાં આવતું પાણી ત્રણ-ચાર દિવસે મળતા મહિલાઓમાં રોષ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં અનિયમિત અને અપુરતું પાણી વિતરણ થતાં લોકોની હાલાકી વધી છે. પાલિકા તંત્રની બેદરકારીના કારણે પાણીના વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જતાં  મોટાભાગના વોર્ડમાં અપૂરતું અને અનિયમિત પાણીનું વિતરણ થતું હોવાની સ્થાનીક રહિશોમાં ફરિયાદો ઉઠી છે. ઘરના કામો છોડી પાણી રાહ જોવી પડતા મહિલાઓમાં રોષ જોવામળ્યો છે. 

સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્તત પાલિકાની હદમાં આવેલા તમામ ૧૩ વોર્ડમાં પાલિકા તંત્ર દ્વારા શહેરના ધોળીધજા ડેમ મારફતે પાણી પુરૃ પાડવામાં આવી રહ્યું છે. શહેરમાં અલગ-અલગ ઝોન વાઈઝ પાણીના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી પાલિકા તંત્રની બેદરકારીના કારણે લગભગ તમામ વોર્ડમાં પાણીના વિતરણની વ્યવસ્થા ખોરવાઈ ચુુકી છે. એકાતરા મળતું પાણીનું હાલ ત્રણથી ચાર દિવસે વિતરણ કરવામાં આવે છે એને તે પણ અપૂરતું. 

મહિલાઓને ઘરના કામ છોડી પાણી માટે રાહ જોવી પડે છે પરંતુ પાણી વિતરણનો ચોક્કસ સમય કે ટાઈમ ટેબલ નહીં હોવાથી ઘરના રોજીંદા કામો પણ અટકાઈ જાય છે અને પાણીની રાહમાં મહિલાઓ સહિતના પરિવારજનો અન્ય કામો માટે બહાર જઈ શકતા નથી. આ મામલે સ્થાનીક રહિશો અને મહિલાઓએ અનેક વખત પાલિકાના સત્તાધીશોને મૌખીક તેમજ લેખીત રજુઆતો કરી હોવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા નિયમિત અને ચોક્કસ સમય પ્રમાણે પાણી પુરૃ પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

નવી લાઇન નાખ્યા બાદ સમસ્યા હલ થઇ જશેઃ ચીફ ઓફિસર

શહેરી વિસ્તારમાં પાણી વિતરણ મામલે પાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતા ધોળીધજા ડેમથી પાણી પુરૃ પાડતી પાણીની મુખ્ય લાઈનમાં તેમજ મોટરમાં ખામીના કારણે હાલ પાણી વિતરણની વ્યવસ્થાને અસર પડી છે. પરંતુ ટૂંંક સમયમાં નવી પાણીની પાઈપલાઈન નાંખ્યા બાદ રાબેતા મુજબ શહેરી વિસ્તારોમાં એકાતરા પાણી મળી રહેશે તેમ જણાવ્યું હતું. 


Google NewsGoogle News