સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ 1 - image


- લાંબા સમયના વિરામ બાદ આગમનથી ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઈ

- જીલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં ખુબ જ ઓછો વરસાદ નોંધાઈ રહ્યો છે જેના કારણે ખેડુતો સહિત લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત આસપાસના ગામોમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં ચોમાસામાં અત્યાર સુધીમાં અંદાજે ૩૫ ટકા જેટલો વરસાદ નોંધાયો છે જે અન્ય જીલ્લાઓની સરખામણીમાં ખુબ જ ઓછો છે અને ઓછા વરસાદને કારણે ખેડુતોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે લાંબા સમયના વિરામ બાદ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ આસપાસના ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે શહેરી વિસ્તારોમાં વરસાદને પગલે અનેક મુખ્ય માર્ગો સહિત રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકો તેમજ રહિશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જીલ્લાના સાયલા, લીંબડી, લખતર, ચોટીલા સહિતના તાલુકાઓમાં પણ ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો હતો. લાંબા સમયના વિરામ બાદ ફરી જીલ્લામાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેડુતોના કપાસ, મગફળી સહિતના પાકોને સારા વરસાદથી ફાયદો થયો છે. ચોમાસાની સીઝનનો સારો વરસાદ નોંધાતા ખેડુતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.



Google NewsGoogle News