સુરેન્દ્રનગર અને વઢવાણમાં અનિયમીત પાણી વિતરણથી હાલાકી
- ધોળીધજા ડેમ ભરેલો હોવા છતાં
- ડેમની મોટરમાં ખામી સર્જાતા વિતરણ વ્યવસ્થા ખોરંભે ચડી હોવાનો તંત્રનો દાવો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી પાલિકા દ્વારા અનિયમિત પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. છેવાડાના વિસ્તારમાં પુરતુ પાણી ન મળતા લોકોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવાની નોબત આવી છે. જેને લઇને પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર અને વઢવાણને પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ છલોછલ ભરેલો હોવા છતાં શહેરમાં પાણી વિતરણમાં પાલિકા તંત્ર દ્વારા ધાંધીયા કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી નિયમિત વિતરણ ન થતાં લોકોને હાલાકી પડી રહી છે.
હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનિયમિત પાણી વિતરણ થતાં લોકો પાણી વેચાતું લેવા મજબુર બન્યાં છે. છેવાડાના અનેક વિસ્તારમાં ત્રણ દિવસના બદલે ચાર કે પાંચ દિવસે પાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તે પણ પુરતા પ્રમાણમાં ન મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં, તેમજ બસ સ્ટેશન પાસે પાણીની લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આમ એક તરફ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે, જ્યારે બીજી તરફ શહેરીજનોને પુરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું, જેને લઇને લોકોમાં પાલિકા તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
પાણી વિતરણ માટેની જે ઇલેક્ટ્રિક મોટર ડેમ પર આવેલી છે તેમાં શોર્ટ સકટના કારણે ખામી સર્જાતા પાણીની વિતરણ વ્યવસ્થા ખોરંભે ચડી હોવાની વિગતો પાલિકાના સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. સુરેન્દ્રનગર-વઢવાણની જનતાને પાણી નિયમિત અને પુરતુ આપવા કરોડો રૂપિયાના ખર્ચે નવી પાઇપલાઇન નાંખવામાં આવી હતી. તેમછતાં આકરા ઉનાળામાં પણ શહેરીજનોને નિયમિત અને પુરતુ પાણી ન મળતા પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા નેતાઓની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે.