Get The App

સુરેન્દ્રનગર અને વઢવાણના તળાવો જાળવણીના અભાવે બિનઉપયોગી બન્યા

Updated: May 21st, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર અને વઢવાણના તળાવો જાળવણીના અભાવે બિનઉપયોગી બન્યા 1 - image


- સાફ-સફાઈ કરાવી રમણીય બનાવવા માંગ

- વઢવાણના તળાવોના ખાતમુહૂર્ત બાદ બ્યુટીફીકેશનની કામગીરી અદ્ધરતાલ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણમાં ત્રણ તળાવો આવેલા છે. વર્ષો પહેલા લોકો માટે ઉપયોગી હતા તે તળાવો આજે તંત્ર દ્વારા યોગ્ય જાળવણીના અભાવે બીનઉપયોગી બન્યા છે. તાજેતરમાં વઢવાણના તળાવોના બ્યુટીફીકેશનની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોઈપણ કામગીરી હાથ ધરવામાં ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

 સુરેન્દ્રનગર અને વઢવાણમાં પૌરાણિક મહત્વ ધરાવતા ત્રણ તળાવો આવેલા છે. જેમાં વઢવાણ હવામહેલ પાછળ ધરમ તળાવ અને ગેબનશાપિર દરગાહ પાછળ બોડા તળાવ તેમજ સુરેન્દ્રનગર ખાતે ટાગોર બાગ તળાવ આવેલા છે. આ તળાવોમાં વર્ષો પહેલા વરસાદી પાણી અથવા અન્ય સ્તોત્ર દ્વારા પાણીથી ભરવામાં આવતા હતા. તે સમયે પશુઓ, માલઢોર તેમજ લોકોને વાપરવા માટે પાણી સહેલાઈથી મળી રહેતું હતું.

પરંતુ પાલિકાની બેદરકારી અને યોગ્ય જાળવણીના અભાવે ત્રણેય તળાવોમાં હાલ ગંદા પાણીના કારણે ગંદકી જોવા મળી રહી છે. અનેક વખત રજૂઆતો બાદ તાજેતરમાં તંત્ર દ્વારા ધરમ તળાવ અને બોડા તળાવના લાખોના ખર્ચે બ્યુટીફીકેશનની કામગીરીનું રાજકીય આગેવાનો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ હજૂ સુધી કોઈ પ્રકારનું બ્યુટીફીકેશનનું કામ કરવામાં ના આવ્યું હોવાની ફરિયાદો શહેરીજનોમાંથી ઉઠી રહી છે. 

વઢવાણના ધરમ તળાવ અને બોડા તળાવમાં ગંદકી અને કચરાના ઢગ નજરે પડી રહ્યા છે. તેમજ તળાવમાં જંગલી ઘાસ ઊગી નીકળી છે. અહીં કપડા ધોવા માટે ઘાટ બનાવવામાં આવ્યો છે પરંતુ ઘાટ પર કચરો જમા થતાં ઘાટ બીનઉપયોગી બન્યા છે. 

ઉપરાંત સુરેન્દ્રનગરના ટાગોર બાગ તળાવમાં પણ ઘાસ ઉગી નીકળ્યું છે અને ગંદકી જોવા મળે છે. તેમજ બાગમાં બાળકોના હિચકા, લપસીયા સહિતની રાઈડ્સ તુટેલી અને બંધ હાલતમાં છે. સરકાર દ્વારા પાલિકા તંત્રને તળાવના બ્યુટીફીકેશન માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં તળાવમાં ગંદકી અને ઘાસ ઉગી નીકળ્યું હોવાથી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ શહેરીજનોએ લગાવ્યા છે. 

 ત્યારે સત્વરે તળાવોના બ્યુટીફીકેશનનું કામ કરવામાં આવે, તળાવને ખોદી ઉંડા કરી પાણીનો સંગ્રહ કરવામાં આવે અને લોકઉપયોગી બનાવવા માંગ ઉઠી છે. 



Google NewsGoogle News