સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ કર્યા વિના પાણી છોડાતું હોવાના આક્ષેપ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ કર્યા વિના પાણી છોડાતું હોવાના આક્ષેપ 1 - image


- વઢવાણ-મુળચંદ રોડ પર આવેલા 

- પાંચ વર્ષથી ગંદુ પાણી છોડવામાં આવતું હોવાનો સ્થાનિકોનો દાવો : એસટીપી અન્ય સ્થળે ખસેડવા માંગ  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા દ્વારા ગંદા પાણીના નિકાલ તેમજ તેને ટ્રીટમેન્ટ કરી ખેડૂતો અને ઉદ્યોગોને પાણી પૂરું પાડવા માટે વઢવાણ મૂળચંદ રોડ પર કરોડોના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ (એસટીપી) પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. ગંદા પાણીને ટ્રીટમેન્ટ કર્યા વગર છોડી દેવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 

સુરેન્દ્રનગર પાલિકા દ્વારા જીયુડીસી અંતર્ગત સુરેન્દ્રનગર અને વઢવાણમાંથી ઉપયોગ થયેલા ગંદા પાણીના નિકાલ માટે વઢવાણ મૂળચંદ રોડ પર ૭ વર્ષ પહેલા અંદાજે રૃ. ૩૨ કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. વપરાયેલા ગંદા પાણીની ટ્રીટમેન્ટ કરી તેને શુદ્ધ કર્યા બાદ ખેડૂતો અને ઉદ્યોગોને પૂરું પાડવામાં આવે તેવા હેતુથી પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. 

પરંતુ તંત્રની બેદરકારીના કારણે હાલ એસટીપી પ્લાન્ટ ઉપયોગી થવાને બદલે આસપાસના રહીશો માટે નુકશાનકારક સાબિત થઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. છેલ્લા પાંચ વર્ષથી એસટીપીમાંથી યોગ્ય રીતે ટ્રીટમેન્ટ કર્યા વગર જ ગંદુ પાણી છોડી દેવામાં આવતું હોવાના આક્ષેપ ઉઠયા છે. જેને લઈ મૂળચંદ રોડ પર આવેલી ૬ થી વધુ સોસાયટીઓમાં રહેતા અંદાજે ૪૦૦ થી વધુ પરિવારો સહિત બે થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને ગર્લ્સ હોસ્ટલોમાં રહેતી વિદ્યાર્થિનીઓને હાલાકી પડી રહી છે. 

એસટીપી દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ તેમજ ગંદકીના કારણે મરછરોનો ઉપદ્રવ વધતાં મેલેરિયા, ઝાડા, ઉલટી, તાવ સહિતનો રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઇ રહી છે. જે મામલે સ્થાનિક અશ્વીનભાઈ મકવાણા, લીલાબેન સીંધવ સહિત શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ અને સંચાલકોએ અનેક વખત તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા રોષ જોવા મળ્યો છે.

તેમજ તાત્કાલિક એસટીપી દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીનો નિકાલ અન્ય જગ્યાએ કરવામાં આવે અથવા એસટીપી અન્ય જગ્યાએ ફેરવવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

આ મામલે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, એસટીપીનો વહીવટ શરૃઆતથી જ જીયુડીસી દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એસટીપીમાંથી ટ્રીટમેન્ટ કરી છોડવામાં આવતુ પાણી સંપૂર્ણ શુદ્ધ છે પરંતુ આગળ જઈ ગટરના પાણી સાથે મિશ્ર થઈ જતું હોવાથી ગંદુ પાણી બની જાય છે. આ સમસ્યાનો પણ ઉકેલ લાવવા જીયુડીસી દ્વારા અંદાજે ૭૦ કરોડના ખર્ચે નવી પાઈપલાઈન નાખવાની કામગીરી મંજૂર થઈ ગઈ છે. જે પૂર્ણ થઈ જતાં એસટીપીમાંથી છોડવામાં આવતુ શુધ્ધ પાણીનો યોગ્ય ઉપયોગ થઈ શકશે તેમ જણાવ્યું હતુ.


Google NewsGoogle News