સુરેન્દ્રનગરની મોચી બજારમાંથી લારીઓને દૂર કરવા કલેક્ટરને રજૂઆત
- વેપારી એસોસીએશન અને હિતચિંતક સમિતિ દ્વારા
- સ્થાનિકોને ટ્રાફિક સહિતની હાલાકી વેઠવી પડતી હોવાના આક્ષેપ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર હિતચિંતક સમિતિ તેમજ મોચી બજાર એસોશીએસન દ્વારા જિલ્લા કલેકટર તેમજ પાલિકા તંત્રને મોચી બજાર વિસ્તાર સહિત બજારમાં ગેરકાયદેસર અને નડતરરૂપ લારીઓ અંગે લેખીત રજૂઆત કરી હતી.
રજૂઆતમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર પાલિકા તંત્ર દ્વારા હાલ બજાર વિસ્તારમાં ઉભા રહેતા લારીધારકો સહિત છુટક ધંધાર્થીઓને વૈકલ્પિક જગ્યાઓ ફાળવવામાં આવી છે. જે પૈકી શહેરના મોચી બજાર રોડ તેમજ શ્રવણ ટોકીઝ રોડ પર જગ્યા ફાળવતા આ વિસ્તારમાં લારીધારકો ગેરકાયદેસર રીતે નડતરરૂપ થાય તેવી રીતે ઉભા રહેતા આ વિસ્તારના સ્થાનિકોને હાલાકી પડી રહી છે.
જ્યારે બીજી બાજુ મોચી બજાર વિસ્તારમાં પણ લારીધારકોને ઉભા રહેવાની મંજુરી આપતા આ રોડ પર આવેલા બુટ-ચંપલ તેમજ ફુટવેરના શો-રૂમના માલીકો સહિત અન્ય વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. તેમજ ગંદકી અને હલન-ચલનમાં પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
તેમજ લારીધારકો દ્વારા વેપારીઓને જાહેરમાં અપશબ્દો બોલી ધમકાવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેથી મુખ્ય રસ્તાઓ તેમજ બજારોમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પાલિકા તંત્ર અને પોલીસને સંકલનમાં રહી જાહેરનામું બહાર પાડી તેનો કડક અમલ કરાવવાની માંગ કરી હતી.