લીંબડી હાઇવે પર ઓવરબ્રિજના ખાડામાં પડી જવાથી અજાણ્યા શખ્સનું મોત
-હાઈવે સર્કલ પાસે સિક્સ લેન હાઈવેની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બનેલી ઘટનામાં કોન્ટ્રાક્ટર સામે બેદરકારીનો આક્ષેપ
લીંબડી અમદાવાદ હાઈવે પર સિક્સ લેન રોડની કામગીરી ચાલી રહી છે. જે દરમિયાન ઓવપબ્રીજના ખાડામાં પડી જવાથી અજાણ્યા શખ્સનું મોત નીપજ્યું હતું.
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેનો સિક્સ લેન રસ્તો બનાવવાનો સમયગાળો પુરો થઈ ગયો હોવા છતાં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. લીંબડી હાઈવે સર્કલ પાસે ઓવરબ્રીજનું કામ છેલ્લાં એક વર્ષથી ચાલી રહ્યું છે. રોડની કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર સામે પણ બેદરકારીનો આક્ષેપ થયો છે. સર્કલ નજીક ઓવરબ્રિજના બીમ બનાવવા માટે ખાડા કરવામાં આવ્યા છે. બીમ બની ગયા હોવા છતાં ખાડાઓ ભરાયા નથી. આ ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા. દરમિયાન એક અજાણ્યો શખ્સ ત્યાંથી પસાર થતાં ખાડામાં પડી જવાથી મુત્યુ પામ્યો હતો. બનાવ અંગે સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી શરૂ કરી છે.