રાજકોટ-ધ્રાંગધ્રા રૂટની એસટી બસમાં આધેડે ધમાલ મચાવી
- અડધો કલાકની સમજાવટ બાદ મામલો થાળે પડયો
- ડ્રાઈવરે મુસાફરો સહિત બસને પોલીસ મથકે પહોંચાડી પોલીસને જાણ કરી
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા રૂટની એસટી બસમાં એક મુસાફર દ્વારા ગેરવર્તન અને દાદાગીરી કરતા મામલો એ-ડિવીઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં સમજાવટ બાદ બસને આગળ તરફ રવાના કરવામાં આવી હતી.
રાજકોટ-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રૂટની એસટી બસમાં રિવરફ્રન્ટ રોડ પર એક આધેડે હાથ બતાવી બસને ઉભી રખાવ્યા બાદ બસમાં બેસી મનફાવે તેમ બોલાચાલી કરી ધમાલ કરી હતી. તેમજ ડ્રાઈવર અને કંડકટર સાથે રોફ જમાવી ધમકીઓ પણ આપી હતી.
પોતે એસટી બસના રીટાયર્ડ કર્મચારી હોવાનું જણાવી દાદાગીરી કરી હતી. તેમજ મહિલા મુસાફરો સાથે પણ ગેરવર્તન કરતા કંટાળીને બસના ડ્રાઈવરે મુસાફરો સાથે એસટી બસને એ-ડિવીઝન પોલીસ મથકે લાવ્યા હતા અને આ મામલે પોલીસને જાણ કરી હતી.
જેમાં અંદાજે ૩૦ મિનીટની ભારે જહેમત બાદ મામલો થાળે પડયો હતો અને એસટી બસને મુસાફરો સાથે ધ્રાંગધ્રા તરફ રવાના કરવામાં આવી હતી.