ઝાલાવાડમાં અત્યારસુધીમાં 2,00,849 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરાયું

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
ઝાલાવાડમાં અત્યારસુધીમાં 2,00,849 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરાયું 1 - image


- શિયાળુ વાવેતરમાં નોંધપાત્ર વધારો 

- ગત વર્ષની સરખામીએ અત્યારસુધીમાં 80 હજાર હેક્ટર જમીનમાં વાવેતરમાં વધારો, ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી વધુ વાવેતર

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે શિયાળુ વાવેતરમાં ધરખમ વધારો નોંધાયો છે. ગત વર્ષે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં અંદાજે ૧.૨૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર નોંધાયું હતું. જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં બે લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થઇ ચુક્યું છે. જેમાં સૌથી વધુ વાવેતર ધ્રાંગધ્રા  તાલુકામાં નોંધાયું છે. ખેડૂતોને શિયાળુ પાક થકી સારી આવક મળવાની આશાઓ બંધાઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોમાસાની સિઝનમાં અનિયમિત અને અપુરતા વરસાદે ખેડૂતોને સારા ઉત્પાદન અને સારા ભાવ મળવાની આશા પર પાણી ફરી વળ્યું હતુ. જેને લઇને ખેડૂતોએ હવે શિયાળુ પાક પર આશાની મીટ માંડી છે. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર વહેલુ જ શરૂ કરી દીધું હતુ. 

જેથી હાલના સમયે ગત વર્ષની સરખામણીમાં વાવેતરમાં ધરખમ વધારો નોંધાયો છે. શિયાળુ વાવેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને ઘઉં, ચણા, જીરૂ, ધાણા, વરિયાળી સહીતના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. 

ગત વર્ષે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ૧,૨૦,૮૨૪ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૨,૦૦,૮૪૯ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર નોંધાતા કુલ ૮૦ હજાર હેક્ટરમાં વાવેતરનો વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ ૨,૩૨,૦૦૦ હેક્ટરમાં શિયાળુ વાવેતર થાય છે. ત્યારે હાલનું વાવેતર જોતાં આ વર્ષે સરેરાશ વાવેતરમાં પણ વધારો નોંધાય તેવી શક્યતા છે.

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જીરૂના વાવેતરમાં ધરખમ વધારો નોંધાયો છે. ગત વર્ષે અત્યાર સુધીમાં ૧૯,૭૬૯ હેક્ટરમાં વાવેતર નોંધાયુ હતુ. જેની સામે આ વર્ષે ૬૦ હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં અત્યારે જીરૂનું વાવેતર થઇ ચુક્યું છે. તેમજ વરિયાળીમાં પણ ગત વર્ષે ૧૭,૨૭૮ હેક્ટરમાં વાવેતર નોંધાયુ હતુ. જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં ૫૭,૬૦૬ હેક્ટરમાં વાવેતર થઇ ચુક્યું છે. 

આમ ગત વર્ષે જીરૂ અને વરિયાળીના ભાવ સારા રહેતા આ બન્ને પાકના ભાવ આ વર્ષે પણ સારા મળવાની આશાએ જગતનો તાત હાલ તનતોડ મહેનત કરી રહ્યો છે.

છેલ્લા બે વર્ષના વાવેતરના આંકડા (હેકટરમાં)

તાલુકાનું નામ    ૨૦૨૨ ૨૦૨૩

                        વાવેતર વાવેતર

ચોટીલા             ૮૩૬૮          ૮૪૫૦

ચુડા                     ૩૬૮૦            ૮૧૬૫

 સાડા              ૮૮૫૦           ૨૧૦૭૪

ધ્રાંગધ્રા             ૫૩૮૬૦   ૭૯૫૭૨

લખતર             ૮૯૪૦            ૧૭૪૬૯

લીંબડી            ૧૧૯૩૪            ૨૮૫૮૦

મુળી                     ૧૪૯૮૫    ૧૨૩૭૫

સાયલા              ૧૫૬૧            ૧૭૮૯

થાન                       ૧૪૩૨            ૧૪૩૦

વઢવાણ                ૭૨૧૪      ૨૧૯૪૫



Google NewsGoogle News