થાન શહેરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 3.83 લાખની મત્તા ચોરી ગયા
- પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ
- 45 હજારની રોકડ, દાગીના સહિતની મત્તા ચોરી તસ્કરો ફરાર થઇ ગયા
સુરેન્દ્રનગર : થાન શહેરી વિસ્તારમાં આવેલ ધોળેશ્વર પ્લોટના એક બંધ મકાનમાં તસ્કરો દ્વારા રોકડ અને સોનાના દાગીના સહિત લાખોની કિંમતના મુદ્દામાલની ચોરીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી .જે અંગે ભોગ બનનાર મકાન માલીકે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
થાન ખાતે આવેલ ધોળેશ્વર પ્લોટ નં.૪માં રહેતા ફરિયાદી સમીરભાઈ મુનસી અને પરિવારજનો પાટણ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ગયા હતા .
તે દરમ્યાન રાત્રીના સમયે ફરિયાદીના બંધ મકાનના મુખ્ય દરવાજાનું અને અંદરના રૂમનું પણ તાળુ તોડી અલગ-અલગ ત્રણ રૂમમાંથી રોકડ રૂા.૪૫,૦૦૦ તેમજ અલગ-અલગ સોનાના દાગીનાની ચોરી કરી નાસી છુટયા હતા.
જે અંગે ભોગ બનનાર મકાન માલીકે થાન પોલીસ મથકે રોકડ અને સોનાના દાગીના સહિત કુલ રૂા.૩,૮૩,૭૦૦ના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથધરી છે. થાન શહેરી તેમજ આસપાસના વિસ્તારોમાં સતત ચોરીના બનાવો વધી રહ્યાં છે.
તેમજ પોલીસ દ્વારા માત્ર પેટ્રોલીંગની અને સુરક્ષાની વાતો કરવામાં આવે છે ત્યારે વધુ એક ઘરફોડ ચોરીનો બનાવ બનતા રહિશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.