વઢવાણ ગણપતિ ફાટસર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા : ત્રણ દાનપેટીમાંથી રકમ ચોરી ફરાર
- મંદિરથી દૂર લઈ જઈને દાનપેટીના તાળાં તોડયા
- મહંતે ચાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ 35 હજાર રોકડ ચોર્યાની ફરિયાદ નોંધાવી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઘરફોડ ચોરી તેમજ વાહનચોરીના બનાવો વધી રહ્યાં છે, ત્યારે હવે તસ્કરોએ ધાર્મિક સ્થળો તેમજ મંદિરોને પણ ટાર્ગેટ બનાવ્યું છે. વઢવાણના ગણપતિ ફાટસર મંદિરમાં મોડીરાત્રે ત્રાટકેલા તસ્કરો મંદિરમાં રાખેલી ત્રણ દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી ગયા હોવાની પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
વઢવાણમાં આવેલા ગણપતિ ફાટસર મંદિરમાં મોડીરાત્રે તસ્કરો ત્રાટક્યા હતાં. જેમાં ગણપતિ દાદાની મૂર્તિ નજીક રાખેલી બે દાનપેટીઓ તેમજ મંદિર સંચાલિત ગૌશાળાની દાનપેટી સહિત કુલ ત્રણ દાનપેટીઓને ઉઠાવી મંદિરથી અંદાજે ૫૦૦ મીટર દૂર લઈ જઈ તમામ દાનપેટીઓ તોડી તેમાં રહેલી રોકડ રકમની ચોરી કરી નાસી છુટયા હતા.
જે અંગેની જાણ બીજે દિવસે સવારે મંદિરમાં પુજા કરવા આવતાં પુજારીને થતાં આ મામલે મંદિરના મહંત લાલદાસબાપુ તેમજ રામાશ્રયદાસ બાપુને જાણ કરતાં તેઓ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને વઢવાણ પોલીસને જાણ કરતાં પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
જ્યારે આ અંગે મોડીસાંજે મંદિરના મહંત લાલદાસ બાપુએ ચાર અજાણ્યા શખ્સો સામે રોકડ રૂા.૩૫ હજારના રોકડ રકમ અંગે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ચોરીની રકમ વધુ હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે. હાલ વઢવાણ પોલીસે આસપાસના તેમજ મંદિરના સીસીટીવી કેમેરા ચેક કરી તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ગણપતિ ફાટસર મંદિર સહિત આસપાસના વિસ્તારોમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોવાની તેમજ મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોને પણ હેરાન પરેાશાન કરતા હોવાથી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ વધારાનો પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
તસ્કરોએ મંદિરના સીસીટીવી કેમેરાના કેબલો કાપી નાખ્યા
વઢવાણ ગણપતિ ફાટસર મંદિરમાં તસ્કરોએ ચોરી કરતાં પહેલા મંદિરમાં આવેલી ઓરડીનું તાળુ તોડી તેમાં રહેલા ડીવીઆર તેમજ સીસીટીવી કેમેરાના કેબલો પણ કાપી નાંખ્યા હતા. તેમજ ઓરડીનો સામાન વેર વિખેર કરી ચોરીને અંજામ આપી નાસી છુટવામાં સફળ રહ્યા હતા.
મંદિરમાં અગાઉ બે થી ત્રણ વખત ચોરીનો બનાવ બન્યો હતો
જ્યારે મંદિરના મહંત રામાશ્રય બાપુ દ્વારા જણાવ્યા મુજબ ગણપતિ ફાટસર મંદિરમાં અગાઉ પણ બે થી ત્રણ વખત ચોરીનો બનાવ બન્યો હતો અને ફરી તસ્કરોએ મંદિરને ટાર્ગેટ બનાવી દાન પેટીઓમાંથી રોકડ રકમની ચોરી કરી નાસી છુટયા હતાં.