22 વીજપોલના 1.25 લાખના વાયર કાપીને તસ્કરો ફરાર
- ગુગલિયાણા-ઈશ્વરિયા રોડ પર ચોરી
- ગામમાં વીજળી ના હોવાની પીજીવીસીએલને જાણ કરતા મામલો સામે આવ્યો
સુરેન્દ્રનગર : થાન તાલુકાના ગુગલિયાણા ગામની સીમમાંથી ૨૨ વીજપોલ પરથી વાયર કાપીને અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઇ ગયા છે. વીજપુરવઠો બંધ કરી અજાણ્યા શખ્સો રૂા.૧.૨૫ લાખની કિંમતના વાયરની ચોરી કરી ફરાર થયાની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ગુગલિયાણા ગામમાં લાઇટ ન હોવા અંગે ફોન આવતા થાન પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ઇશ્વરિયાથી ગુગલિયાણા ગામ તરફ જતી વીજલાઇનમાં કુલ ૨૨ વીજપોલમાંથી વીજવાયર કોઇ શખ્સો કાપીને ચોરી ગયા હોવાનું પીજીવીસીએલના અધિકારીઓના ધ્યાને આવ્યું હતું.
જેથી પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કુલ ૨૨ વીજપોલ પરથી રૂા. ૧.૨૫ લાખની કિંમતના વાયરની ચોરીની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધીને તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.