રાજકોટમાંથી અપહૃત છ મહિનાનું બાળક થાનમાંથી મળ્યું

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
રાજકોટમાંથી અપહૃત છ મહિનાનું બાળક થાનમાંથી મળ્યું 1 - image


- થાનમાંથી ત્યજી દિધેલી હાલતમાં બાળક મળી આવ્યું 

- બુકાનીધારી મહિલા બાળકને મૂકી ગઈ હોવાનું સીસીટીવીમાં કેદ  અપહરણ કોણે અને ક્યા હેતુથી કર્યું તે અંગે રહસ્ય અકબંધ 

સુરેન્દ્રનગર : થાન શહેરી વિસ્તારમાં આવેલી એક મસ્જીદ પાસેથી અંદાજે ૬ મહિનાનું બાળક ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યું હતું. જેને લઇ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નોંધ નીય છે કેસ રાજકોટના મોચી બજાર પાસેના જૂના ખટારા સ્ટેન્ડ નજીક ટ્રાફિક બ્રાંચની ઓફિસ સામે ઓવરબ્રિજ નીચે રહેતા પરિવારના અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. થાનમાં બાળકને તરછોડી દેનાર મહિલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે. જોકે અપહરણ કોણે અને ક્યા હેતુથી કર્યું તે રહસ્ય હજુ પણ અકબંધ રહ્યું છે. આ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

રાજસ્થાનના બ્યાવર નજીકના ટીલાખેડા ગામનો વતની રમેશ ભીલ હજુ અઠવાડીયા પહેલાં જ પત્ની, બે પુત્રી અને પુત્ર સહિતના પરિવાર સાથે પેટીયું રળવા રાજકોટ આવ્યો હતો. મોચીબજાર પાસેના ઓવરબ્રિજને પોતાનું ઘર બનાવી ત્યાં આ પરિવાર રહેતો હતો. બે દિવસ પહેલાં રાત્રે રમેશ અને તેની પત્ની ગીતા છ માસના પુત્રને વચ્ચે રાખી સુઈ ગયા હતા. પરોઢિયે ઉંઘ ઉડતા જોયું તો બાળક ગાયબ હતુ. જેથી એ-ડિવીઝન પોલીસ મથકને જાણ કરતાં તેના સ્ટાફે અપહરણની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. મામલો ચાર માસના બાળકના અપહરણનો હોવાથી ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યું હતું.

 થાનમાં આવેલી એક મસ્જીદ પાસે મોડી રાત્રે અંદાજે ૬ મહિનાના બાળકને ત્યજી દેવામાં આવ્યું હતું અને મસ્જીદ પાસે આવેલી એક દુકાનના ઓટલા નીચે બાળકના રડવાનો અવાજ સંભળાતા આસપાસના લોકો સહિત દુકાનદારો આવી પહોંચ્યા હતા તથા આ અંગે થાન પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને બાળકના માતા-પિતા સહિત પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. તેમજ સારવાર અર્થે બાળકને સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. 

આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરતા રાજકોટના મોચી બજાર વિસ્તારમાં ઓવરબ્રીજ નીચે રહેતા મુળ રાજસ્થાનના શ્રમિક પરિવારનું બાળક હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે રાજકોટ એ-ડિવીઝન પોલીસ મથકે બાળકના પિતાએ અજાણ્યા શખ્સ સામે બાળકના અપહરણ અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી અને આ ફરિયાદના આધારે રાજકોટ પોલીસે પણ બાળકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળક મળી આવ્યું નહોતુ. જેથી થાન પોલીસે ત્યજી દીધેલા બાળકના માતા-પિતાનો સંપર્ક કરતાં રાજકોટથી બાળકને લેવા રવાના થયા હતાં અને મોડીસાંજે બાળકનો પરિવાર સાથે મેળાપ થયો હતો.

જ્યારે થાન મસ્જીદ આસપાસના સીસીટીવી કુટેજ ચેક કરતા બુકાનીધારી મહિલા બાળકને તેડી લાવી અને મસ્જીદ પાસે આવેલી એક દુકાનના ઓટલા નીચે ત્યજી નાસી છુટતી નજરે પડી હતી. જેને આધારે પોલીસે બુકાનીધારી મહિલાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. બાળકને ત્યજી દેવા પાછળનું કારણ તેમજ ત્યજી દેનાર સામે કડક કાર્યવાહીની લોકોમાંથી માંગ ઉઠી છે.


Google NewsGoogle News