ચાણપા ગામે જુગાર રમતા છ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
- બહારથી ખેલીઓ બોલાવતો હતો
- 53 હજાર જપ્ત કરી સાત શખ્સો સામે ગુનો નોંધ્યો
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના ચાણપા ગામની સીમમાં ધમધમતા જુગારના અડ્ડા પર દરોડો કરી ચોટીલા પોલીસે મહિલા સહિત છ જુગારીઓને ઝડપી પાડયા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર નાસી છુટયો હતો. પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાણપા ગામની સીમમાં ઉમેદભાઇ કાઠી દરબારની વાડી ગામના જ નિલેશભાઇ અમરશીભાઇ સારલા ભાગવી રાખી હતી પરંતુ આ વાડીમાં ખેતીકામ કરવાના બદલે નિલેશભાઇ સારલા ખેતરના શેઢે ગુડદી પાસાનો જુગાર રમાડતો હોવાની બાતમી ચોટીલા પોલીસને મળી હતી.
જેના આધારે પોલીસે દરોડો કરી જુગાર રમતા જનકગીરી શીવગીરી ગૌસ્વામી, ગોપાલદાસ ભક્તિરામભાઇ અગ્રાવત, અલ્તાફભાઇ ગફારભાઇ પંજાબી (ત્રણેય રહે. જેતપુર), શીવકુભાઇ બાવકુભાઇ ધાધલ (રહે. ચોટીલા), અજીતભાઇ ભીમભાઇ ભોજક (રહે. રાજકોટ) અને ભાવનાબેન પ્રવીણભાઇ ઘેરવાળ (રહે. કેશોદ)ને ઝડપી પાડયા હતા.
જ્યારે મુખ્ય સૂત્રધાર નિલેશભાઇ સાપરા દરોડા દરમિયાન નાસી છુટયો હતો. પોલીસે રોકડા રૃા.૫૩,૦૦૦ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો. ત્યારે મોબાઈલ કે વાહન જપ્ત ન કરાતા કામગીરી સામે સવાલો ઉઠયા છે.