વઢવાણના ત્રણ ગામોમાં પીવાના પાણીની તંગી, ગ્રામજનો પરેશાન
- ઉનાળાના પ્રારંભે જ લોકો પાણી વગર ટળવળે છે
- પાણી પુરૂ પાડવાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરાઇ રહ્યા છે, એકબીજાને ખો અપાય છે
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના નાના મઢાદ અને મોટા મઢાદ ગામમાં ઉનાળની શરૂઆતથી પાણીની સમસ્યા સર્જાતા લીંબડી નાયબ કાર્યપાલક ઇજનેર સહીતની ટીમે ફુલગ્રામ સંપની મુલાકાત લીધી હતી અને સંપમાં પુરતુ પાણી ન આવતુ હોવાથી આ બંને ગામોને પુરતુ પાણી ન મળતુ હોવાની વિગતો બહાર આવી હતી. જેથી ફુલગ્રામ સંપ સુધી પાણી પહોંચાડવાની જવાબદારી સુરેન્દ્રનગરની કચેરીની હોવાનું જણાવ્યું હતું.
નાના મઢાદ અને મોટા મઢાદ તેમજ ફુલગ્રામ ગામને આપવામાં આવતા પાણીના વિતરણની કામગીરી ચકાસવા માટે લીંબડી નાયબ કાર્યપાલક ઇજનેર સહીતની ટીમ દ્વારા ફુલગ્રામ સંપની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ત્રણેય ગામના સરપંચ પણ હાજર રહ્યાં હતા.
મુળી તાલુકાના જસાપર ગામેથી પાણી પમ્પિંગ કરી નળીયા અને નવાણીયાથી પણ પમ્પિંગ કરી ફુલગ્રામ સંપમાં પાણી આપવામાં આવે છે અને ત્યાંથી ત્રણેય ગામોને પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરતા ફુલગ્રામ સંપમાં પુરતુ પાણી ન આવતુ હોવાની વિગતો બહાર આવી હતી.
લીંબડી કચેરીના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી જે રોજકામ કરવામાં આવ્યું હતુ તેમાં અધિકારીઓ દ્વારા પાણી ફુલગ્રામ સંપમાં પહોંચાડવાની જવાબદારી સુરેન્દ્રનગર પાણી પુરવઠા વિભાગ કચેરી ૧ની હોવાનું લેખિતમાં જણાવવામાં આવ્યું હતું .
ત્યારે આ ત્રણેય ગામોને પાણી વિતરણ કરવાની જવાબદારી લીંબડી પાણી પુરવઠા વિભાગની હોવાછતાં સુરેન્દ્રનગરની કચેરીનું નામ જણાવી અધિકારીઓ ખો આપ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યો હતો. તેમજ જો પાણી પહોંચાડવાની જવાબદારી સુરેન્દ્રનગર કચેરીની હોય તો તે અંગે લીંબડી કચેરી દ્વારા સુરેન્દ્રનગર કચેરીને જાણ કરી તાત્કાલિક પુરતા પ્રમાણમાં પાણી પુરૂ પાડવામાં આવે તેવી માગં ઉઠી છે.