Get The App

સુરેન્દ્રનગરમાં મારામારી કેસના પાંચ આરોપીઓને સાત વર્ષની સખત કેદ

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં મારામારી કેસના પાંચ આરોપીઓને સાત વર્ષની સખત કેદ 1 - image


- દરેક આરોપીને પાંચ હજારનો દંડ 

- રતનપર બાયપાસ રોડ પર વર્ષ ૨૦૨૦માં યુવકને ધારિયાના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના રતનપર બાયપાસ રોડ પર આવેલી એક હોટલ પાછળના કમ્પાઉન્ડમાં વર્ષ ૨૦૨૦માં થયેલી મારામારી મામલે જોરાવરનગર પોલીસ મથકે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જેમાં સુરેન્દ્રનગર એડીશ્નલ સિવિલ જજ  અને જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ કરાતા તાજેતરમાં ચાલી જતા મારામારીના ગુનાના તમામ આરોપીઓને કોર્ટે સાત વર્ષની સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.

વર્ષ ૨૦૨૦માં ફરિયાદી રફીકભાઈ હુશેનભાઈ જામ મીયાણાવાડ સુરેન્દ્રનગરના મામાના દિકરા મુસ્તુફા ઉર્ફે રાજાને અગાઉ થયેલા ઝઘડા બાબતનું મનદુઃખ રાખી ગત તા.૨૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ રતનપર બાયપાસ રોડ પર આવેલી હોટલના ગ્રાઉન્ડમાં ફરિયાદી તેમજ મામાના દિકરા મુસ્તુફા અને અન્ય લોકો ક્રિકેટ મેચ રમી રહ્યાં હતાં.

 તે દરમિયાન હનીફ ઉર્ફે કાળીયો યાકુબભાઈ ભટ્ટી, યુનુસ ઉર્ફે યાકુબભાઈ ભટ્ટી, હુશેન ઉર્ફે પપલો યાકુબભાઈ ભટ્ટી, સાહિલ હનીફભાઈ ઉર્ફે કાળીયો ભટ્ટી અને જાવેદ યાકુબભાઈ ભટ્ટી (તમામ રહે.બસ સ્ટેન્ડ પાછળ, સુરેન્દ્રનગર)એ રિક્ષામાં આવી ધારીયા વડે મુસ્તુફા ઉર્ફે રાજાને ડાબા હાથે ઘા ઝીંકી અડધો હાથ કાપી નાંખ્યો હતો.

 ત્યારબાદ શરીર પર આડેધડ ધારીયાના ઘા ઝીંકી હાથે અને પગે ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે મામલે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આરોપીઓને ઝડપી પાડી ચાર્જશીટ સુરેન્દ્રનગર એડીશ્નલ સિવિલ અને જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરી હતી.

 જે કેસ તાજેતરમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને આધાર પુરાવાના આધારે ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ એન.જી.શાહ દ્વારા તમામ પાંચ આરોપીઓને સાત વર્ષની સખત કેદની સજા અને દરેક આરોપીને રૂા.૫,૦૦૦નો દંડ તેમજ દંડની ભરપાઈ ન કરે તો વધુ બે મહિનાની સાદી કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.


Google NewsGoogle News