આઈસર પાછળ ટ્રક ઘુસી જતા કેબીનમાં ફસાયેલા ટ્રક ડ્રાઇવરને ગંભીર ઇજા
- બગોદરા હાઇવે પર અકસ્માત સર્જાયો
- કેબીનમાંથી ચાલકને મહામહેનતે કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
બગોદરા, તા.5 જુલાઈ 2020, રવિવાર
અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે થોડા દિવસો પહેલા બાવળા હાઈવે પર ડમ્પરની અડફેટે બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ચોવીસ કલાકમાં બગોદરા હાઈવે પર બીજો અકસ્માત સર્જાયો હતો જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે બગોદરા નજીક ભોગાવો નદીના પુલ પાસે રાત્રીના સમયે આયશરની પાછળ અન્ય ટ્રક ઘડાકાભેર અથડાતાં ગમખ્વાર અસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકચાલક મહંમદ ઈકબાલ અબ્દુલખાન ઉ.વ.૫૧ રહે.જોધપુર રાજસ્થાનવાળો ટ્રકના કેબીનમાં ફસાઈ જતાં અંદાજે ૩૦ મીનીટની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને બગોદરા ૧૦૮ના ઈએમટી અલ્પેશ જાની તેમજ પાયલોટ પ્રેમજીભાઈ પરમાર સહિતની ટીમ દ્વારા સારવાર અર્થે બગોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આમ બગોદરા હાઈવે પર છેલ્લા ચોવીસ કલાકમાં બે અકસ્માતના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.