સુરેન્દ્રનગર બાયપાસ રોડ નજીકના ખેતરમાંથી સાયલાના વૃદ્ધની લાશ મળી
- સાયલા- લીંબડી હાઇવે પાસે
- પુત્રના મૃત્યુ બાદ છ દીકરીઓના પિતાના મોતથી અરેરાટીઃ મૃતદેહને પીએમ માટે મોકલાયો
સાયલા : સાયલા- લીંબડી હાઈવે પાસે આવેલા સુરેન્દ્રનગર બાયપાસ પાસેના એક ખેતરમાંથી ૬૦ વર્ષના વૃધ્ધની લાશ મળી હતી. પોલીસની તપાસમાં આ વૃધ્ધ સાયલાનો રહેવાસી હોવાનું બહાર હાળ્યું હતું. મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આગળની કાર્યવાહી આરંભી હતી.
સાયલા લીંબડી હાઇવે પર આવેલા સર્વે નંબર ૨૦૩૦પૈકી૨૭૦/૧/૧૩ વાળા ખેતરની જગ્યા પરથી સાંજના મૃત હાલતમાં કોઈ માણસ પડયું હતું. ઘટના સ્થળની વિગતો સાથેની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે સ્થળ પર પહોંચી ત્યારે તેની ઓળખ કરતા મૃતક સાયલાના વૃધ્ધ પોપટભાઈ રામાભાઈ મીર (ઉં.વ.૬૦) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકને છ દીકરી અને એક પુત્ર છે જ્યારે પુત્ર અગાઉ મૃત્યુ પામેલ છે. ચાર દીકરી પરણિત અને બે અપરણિત છે. સાયલા પોલીસે મૃતદેહને પીએમ માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાની તજવી હાથ ધરી હતી. હાલ પેનલ પીએમની શક્યતા જણાઈ રહી છે ત્યારે હત્યા છે કે અન્ય કોઈ કારણ તેની તપાસ સાયલા પોલીસ ચલાવી રહી છે.