સરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ કચેરીના જુની.કલાર્ક રૃા. 10 હજારની લાંચ લેતા ઝડપાયા
- એસીબીની ટીમે ખાણ ખનીજ કચેરીના ગેઈટ પાસે જ છટકું ગોઠવી રંગે હાથ ઝડપી લીધા
- ફરિયાદીએ આરટીઆઈ અંતર્ગત માંગેલી માહિતી અધૂરી હોવાથી બાકીની માહિતી પુરી પાડવા કર્મચારીએ લાંચ માગી હતી ઃ રાજ્યમાં આરટીઆઈ અંતર્ગત લાંચ લેવાનો પ્રથમ કિસ્સો
સુરેન્દ્રનગર : સરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ કચેરીના જુની.કલાર્ક રૃા.૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા હતા. એસીબીની ટીમે ખાણ ખનીજ કચેરીના ગેઈટ પાસે જ છટકું ગોઠવી રંગે હાથ ઝડપી લીધા હતા. લાંચિયા કર્મચારીએ આરટીઆઈ અંતર્ગત માંગેલી માહિતી અધુરી હોવાથી બાકીની માહિતી પુરી પાડવા ફરિયાદી પાસે લાંચ માગી હતી. જિલ્લા ખાણ ખનીજ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી રંગેહાથે રોકડ રકમની લાંચ લેતા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ આરટીઆઈ અંતર્ગત લાંચ લેવાનો સમગ્ર રાજ્યમાં પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સરકારી કચેરીમાં અરજદારોને નાના-મોટા દરેક કામો માટે કર્મચારીઓથી લઈ અધિકારીઓ સુધી લાંચ આપવી પડતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તેમજ અગાઉ પણ જીલ્લાની અનેક સરકારી કચેરીઓમાંથી એસીબી ટીમ દ્વારા લાંચ લેતા અધિકારીઓ સહિત કર્મચારીઓને ઝડપી પાડયા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ખાણ ખનીજ કચેરીમાં ફરજ બજાવતા જુની.કલાર્ક એસીબીના રંગેહાથે રોકડ રકમની લાંચ લેતા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે જે અંગે એસીબી ટીમે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જ્યારે સમગ્ર રાજ્યમાં આરટીઆઈ અંતર્ગત લાંચ લેવાનો આ પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે.
ફરિયાદીએ સુરેન્દ્રનગર બહુમાળી ભવન ખાતે આવેલા ખાણ ખનીજ વિભાગની કચેરીમાં સીલીકા રેતીની લીઝની માગ કરી હતી. જે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ હોવાથી આ બાબતે ફરિયાદીએ જરૃરી માહિતી મેળવવા આરટીઆઈ અંતર્ગત માહિતી માંગી હતી. પરંતુ ખાણ ખનીજ વિભાગની કચેરી દ્વારા ફરિયાદીને અધુુરી માહિતી પુરી પાડવામાં આવી હતી આથી બાકી રહેલી માહિતી પુરી કરવા બાબતે ખાણ ખનીજ વિભાગમાં જુની.કલાર્ક (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતા કર્મચારી અમૃત ઉર્ફે આનંદ કેહરભાઈ (ઉ.વ.૫૭)એ ફરિયાદી પાસે અધુરી માહિતી પુરી પાડવા પેટે રૃા.૧૦,૦૦૦ની લાંચ માંગી હતી.
પરંતુ ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી આ મામલે એસીબી પોલીસને જાણ કરી હતી. જામનગર એસીબી પીઆઈ આર.એન.વિરાણી સહિતની ટીમે બહુમાળી ભવન ખાતે ખાણ ખનીજ કચેરીના ગેઈટ પાસે છટકુ ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદી પાસેથી રૃા.૧૦,૦૦૦ની લાંચ સ્વીકારતા ખાણ ખનીજ વિભાગના જુની.કલાર્ક અમૃત ઉર્ફે આનંદ કેહરભાઈ મકવાણાને ઝડપી પાડયા હતા અને સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે લાવી કાર્યવાહી હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગના કર્મચારી એસીબીના હાથે લાંચ લેતા ઝડપાઇ જતાં અન્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી નિરવ બારોટે અંગત કારણનું બહાનું ધરી રાજીનામું આપ્યું છે. ચાર વર્ષની નોકરીમાં નિરવ બારોટે ભૂમાફિયાઓ સામે સૌથી વધુ કેસ અને ગુના દાખલ કર્યા હતા. હાલમાં જ નવા અધિકારી તરીકે જગદીશ વાઢેરે ચાર્જ સંભાળ્યો છે. ત્યાં જ ખાણ ખનીજ વિભાગના જુની. કલાર્ક એસીબીના હાથે લાંચ લેતા ઝડપાઈ જતા ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
નિવૃત્તિની અણીએ લાંચ લેતા ઝડપાયા
ખાણ ખનીજ વિભાગમાં જુની.કલાર્ક (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતા કર્મચારી અમૃત ઉર્ફે આનંદભાઇ મકવાણા (રહે.લીંબડી) છેલ્લા ૧૦ વર્ષથી સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવે છે. એસીબી ટીમ દ્વારા રૃા.૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયેલા કર્મચારી અમૃતભાઇ અંદાજે રૃા.૮૫,૦૦૦થી વધુનો પગાર મેળવે છે. ૫૭ વર્ષીય આનંદભાઇ આગામી બે મહિનામાં ખાણ ખનીજ વિભાગમાંથી નિવૃત્ત થવાના હતા.
આરટીઆઈ અંતર્ગત માહિતી અધુરી પુરી પાડતા અનેક શંકા-કુશંકા
સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં થતી કામગીરી અને ગ્રાન્ટની રકમ ક્યાં અને કેવા કામ પાછળ ખર્ચ કરવામાં આવી તેની સાચી માહિતી મળી રહે તે માટે રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટેનો આ માહિતી અધિકારનો કાયદો છે. પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા આરટીઆઈ અંતર્ગત પણ અધુરી માહિતી પુરી પાડવામાં આવતા ફરિયાદીને પુરતી માહિતી મેળવવા લાંચ આપવાનો વારો આવતા ખાણ ખનીજ વિભાગની કામગીરીની પણ પોલ છતી થઈ છે.