Get The App

સિંગતેલના નામે ભેળસેળિયા તેલનું વેચાણ

- કાળઝાળ મોંઘવારી વચ્ચે પ્રજાના આરોગ્ય સાથે છડેચોક ચેડાં

Updated: Jun 18th, 2021


Google NewsGoogle News
સિંગતેલના નામે ભેળસેળિયા તેલનું વેચાણ 1 - image


- જિલ્લા પુરવઠા ખાતાની અક્ષમ્ય બેદરકારીના કારણે સોયાબીનના માર્કાવાળું ડિસ્કો તેલ વેચતા તેલમાફિયા વઢવાણ જીઆઇડીસી અને સુરેન્દ્રનગર ઉદ્યોગનગરમાં ધમધમતા ભેળેસળિયાત તેલની મિલો

સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગરમાં મોંઘવારીએ માઝા મુકી છે. સીંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવ ભડકે બળે છે ત્યારે જિલ્લામાં આરોગ્ય માટે હાનિકારક ભેળસેળીયા ડીસ્કો ખાદ્યતેલોનું ધૂમ વેચાણ થઈ રહયું હોવાનું જાણવા મળે છે જિલ્લાના પુરવઠાતંત્રની ઘોર નિષ્ક્રિયતાથી ડીસકોતેલના વેચાણને મોકળુ મેદાન મળતુ હોવાનું જાણવા મળે છે.

આ અંગે જાણવા મળતી વિગત એવી છે કે, સુરેન્દ્રનગરમાર્ મોંઘવારી અગાઉના તમામ રેકોર્ડ તોડીને સૌથી ઉંચા સ્તરે પહોંચી છે. સામાન્ય પરિવારોનું જીવન દોહયલું બની ગયુ છે ઈંધણ અને જીવનજરૂરી ચીજોના ભાવ વધારાથી ટુંકી આવકવાળા અનેક પરિવારો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહયુ છે. સીંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવો પણ રેકર્ડબ્રેક ઉંચાઈએ પહોંચ્યા છે આ સ્થિતીમાં સુરેન્દ્રનગરની બજારમાં સીંગતેલના નામે સોયાબીનના માર્કાવાળુ ભેળસેળીયુ ડીસ્કોતેલ મોટાપાયે વેચાઈ રહયું હોવાનું જાણવા મળે છે.ગંભીર અને તપાસ માંગતી બાબત છે કે, આવા ભેળસેળીયા ડીસ્કોતેલમાં આરોગ્ય માટે હાનિકારક સીંગતેલના એસેન્સની ભેળસેળ કરવામાં આવે છે. જેનાથી હયદયરોગ અને ચામડીના રોગ થવાની શકયતા વધી જાય છે. વઢવાણ જીઆઈડીસી અને સુરેન્દ્રનગરના ઉદ્યોગનગરમાં ધમધમતી ઓઈલમીલો માંજ આવું જથ્થાબંધ ભેળસેળીયુ ડીસ્કોતેલ તૈયાર કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે.

બજારના વર્તુળોર્થી જાણવા મળતી વિગતો મુજબ સીંગતેલના નામે વેચાતુ ભેળસેળીયુ ડીસકો તેલ મોટાભાગે ફરસાણના વેપારીઓ, ફુડ ઈન્ડસ્ટ્રીઝ, હોટલ-રેસ્ટોરન્ટ તથા ફાસ્ટફુડની લારીઓ ઉપર વપરાય છે..! સ્ટાન્ડર્ડ ખાદ્યતેલો કરતા આ ડીસ્કોતેલ સસ્તુ હોવાથી વ્યાપારીક હેતુ માટે તેનો વધુ ઉપયોગ થતો હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર શહેર નકલી અને ભેળસેળયુકત ચીજવસ્તુઓના વેચાણ માટે કુખ્યાત છે. ખાસ કરીને ખાદ્યપદાર્થોના વેચાણમાં મોટાપાયે ગેરરીતીઓ થાય છે! ખાદ્યતેલોમાં ભેળસેળ એ લોકોના આરોગ્ય સાથે જોડાયેલ ગંભીર બાબત હોવા છતાં પુરવઠાતંત્ર દ્વારા ચેકીંગમાં ઘોર નિષ્ક્રિયતા દાખવવામાં આવે છે..! તેથી તંત્રવાહકો અને વેપારીઓની મીલીભગતથી આ કારોબાર બેરોકટોક ચાલતો હોવાનું જાણવા મળે છે આ અંગે ગાંધીનગર ઉચ્ચકક્ષાએથી સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવે તો ભેળસેળીયા ડીસ્કોતેલના વેચાણની ચોંકાવનારી વિગતો બહાર આવવાની શકયતા નકારી શકાતી નથી

GST ની બેફામ ચોરી ઃ સાચું સિંગતેલ ફ્રીઝમાં જામતું નથી

સુરેન્દ્રનગરમાં ભેળસેળીયા ડીસ્કોતેલના ધૂમ વેચાણથી લોકોના આરોગ્યને નુકશાન થાય છે તો સરકારી તિજોરીને પણ મોટુ નુકશાન થતું હોવાનું જાણવા મળે છે ડીસ્કોતેલના વેપારીઓ ગ્રાહકોને પાકાબીલ આપવાનો બદલે રોડ-વેના કાચાબીલ આપીને જી.એસ.ટી ની બેફામ ચોરી કરતા હોવાનું જાણવા મળે છે જી.એસ.ટી વિભાગના અધિકારીઓ ચેકીંગ કરે તો કરચોરીની ઘણી વીગતો બહાર આવવાની શકયતા નકારી શકાતી નથી..!

એવું પણ જાણવા મળે છે કે, શુધ્ધ સીંગતેલ ફ્રિજમા મુકો તો પણ જામતું નથી..! જયારે સીંગતેલના નામે વેચાતુ ડીસ્કોતેલ ફ્રિજમાં રાખવામાં આવે તો ઘી ની જેમ જામી જતું હોય છે

ડિસ્કોતેલમાં સિંગતેલનું એસેન્સ હૃદયરોગ- ત્વચારોગ નોંતરે છે

સોયાબીનના સ્ટીકર સાથે બજારમાં વેચાતું ડીસ્કોતેલ સીંગતેલના નામે વેચાય છે ઓઈલમીલોમાં હલકા ખાદ્યતેલના ડબ્બામાં સીંગતેલનું એસેન્સ નાંખવામાં આવે છે જેનાથી ડીસ્કોતેલ સીંગતેલની સુવાસ વાળુ બની જાય છે. સીંગતેલનું આ એસેન્સ રૂા.૧૦,૦૦૦નું ૫ લીટર આવે છે. અને તેમાંથી ૧૫૦૦ ડબ્બા ડીસ્કોતેલ તૈયાર થતું હોય છે સૌથી ગંભીર અને તપાસ માંગતી બાબત એવી જાણવા મળે છે કે, સીંગતેલના આ એસેન્સથી હ્ય્દયરોગ અને ચામડીના રોગ થવાની શકયતા વધી જાય છે તેથી ડીસ્કોતેલનો વેપાર વહેલીતકે બંધ કરાવવો જોઈએ

ચેકિંગની જાણ થઈ જતાં મિલો- દુકાનો બંધ થઈ જાય

સુરેન્દ્રનગરમાં ભેળસેળીયા ડીસ્કોતેલના મોટાપાયે વેચાણ સામે સ્થાનિક પુરવઠાતંત્ર આંખ આડા કાન જ કરે છે.. કયારેક ચેકીંગના નાટકો થાય છે. જેમાં અગાઉથી જાણ થઈ જતી હોય તેમ ચેકીંગ આવવાનું હોય તે અગાઉજ  ઓઈલ મીલો અને  મોટાભાગની દુકાનો ફટાફટ બંધ  થઈ જાય છે..! મસમોટા હપ્તા બાંધેલા હોવાથી આકીર કાર્યવાહી થતી નથી ચેકીંગમાં પણ શુધ્ધસીંગતેલના નમુના લઈને આકરો દંડ ન થાય તેનુ ધ્યાન રખાતું હોય છે ગાંધીનગર ઉચ્ચ કક્ષાએથી  સરપ્રાઈઝ ચેકીંગ થાય તો ઘણી ગેરરીતીઓ બહાર આવવાની શકયતા નકારી શકાતી નથી.

સ્ટાન્ડર્ડ તેલ કરતા થોડુ સસ્તુ ડીસ્કોતેલ

સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલોની જથ્થાબંધ બજારમાં સ્ટાન્ડર્ડ તેલ કરતા થોડા સસ્તાદામે ડીસ્કોતેલનુ વેચાણ થાય છે. બજારમાંથી મળતી વિગત મુજબ રાણી સીંગતેલ(૧૫લીટર)ના રૂા.૨૪૦૦, કપાસીયા તેલના રૂા૨૩૨૦ના ભાવ હોય છે ત્યારે ભેળસેળીયા ડીસ્કોતેલના ડબ્બાના રૂા.૨૨૦૦ નો ભાવ હોય છે

અલગ અલગ માર્કાનો ઉપયોગ

સુરેન્દ્રનગરમાં સીંગતેલના નામે સોયાબીનના સ્ટીકર સાથે વેચાતું ભેળસેળીયુ ડીસ્કોતેલ અલગ અલગ માર્કાથી વેચાય છે. એક્કા રાણી, મહારાણી, આ સોયાલવ, દોલત, મધુર, ડબલ એક્કા જેવા માર્કા સાથે ડીસકોતેલ બજારમાં ઠલવાય છે અને મોટાપાયે વેચાણ થાય છે


Google NewsGoogle News