મુળીના સડલા ગામે મંદિરવાળી સરકારી જગ્યા પરનું દબાણ હટાવાતા રોષ
- ગ્રામજનોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ
- જિલ્લા પંચાયત પ્રમુખ અને તેમના પિતા દ્વારા કરાયેલા દબાણો પણ દુર કરવા રજૂઆત
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના સડલા ગામે સરકારી જમીન ઉપર બનાવેલ હનુમાનજી મંદિરની આસપાસનું દબાણ તંત્ર દ્વારા દુર કરવામાં આવતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો .અને મંદિરની બાજુમાં કરેલ સુરેન્દ્રનગર ભાજપના જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કરાયેલ ગેરકાયદેસર દબાણ દુર કરવાની માંગ તેમજ આંદોલનની ચીમકી ઉચ્ચારતા દોડધામ મચી જવા પામી હતી.
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના પ્રમુખ હરેકૃષ્ણભાઈ બચુભાઈ પટેલ જેઓ મુળી તાલુકાના સડલા ગામના વતની છે અને આ ગામની સરકારી જમીન ઉપર ગ્રામજનોએ હનુમાનજીનું નાનું મંદિર બનાવી તેની આસપાસ વૃક્ષો, વાડી, બાંકડા મુકી ફરતે ફેન્સીંગ કરી હતી. જેની બાજુમાં જ જીલ્લા પંચાયત પ્રમુખ અને તેમના પિતા દ્વારા પણ સરકારી જમીનમાં પાકું બાંધકામ તેમજ મોટું ગેરકાયદેસર દબાણ કરેલું છે .
આ પિતા અને પુત્ર દ્વારા સર્વે નંબર ૧૦૪માં કરાયેલ પાકું બાંધકામ હટાવવાનો લેખીત આદેશ મે-૨૦૨૩માં કરવામાં આવ્યો હતો તેમ છતાંય મુળી મામલતદાર સહિતની ટીમ દ્વારા આ દબાણ હટાવાયું નથી. પરંતુ ભાજપના નેતા અને જીલ્લા પંચાયતના પ્રમુખ હોવાથી તંત્ર દ્વારા આ ગેરકાયદેસર દબાણ અંગે કોઈ જ કાર્યવાહી નહિં કરી દુર કરવામાં આવ્યું નથી.
રોષે ભરાયેલ આગેવાનો મામલતદાર કચેરી ખાતે એકત્ર થયા હતા અને દબાણ તાત્કાલીક દુર કરવાની માંગ કરી હતી. તેમજ જો આ દબાણ હટાવવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.