સફાઈ કામદારોની ઈચ્છામૃત્યુની મંજુરી આપવાની રાજ્યપાલ પાસે લેખિત માંગણી કરતા તંત્રમાં દોડધામ
- સુરેન્દ્રનગર પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ
- 60 સફાઈ કર્મીઓને જાણ વિના છુટા કરી દેવાતા બે દિવસથી ધરણા પર ઉતર્યા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા વાલ્મીકી સમાજના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને પાલિકા તંત્ર દ્વારા પગાર ચુકવવામાં આવ્યો નથી. તેમજ કોઈપણ જાતની જાણ વગર નોકરીમાંથી છુટ્ટા કરી દેવામાં આવ્યાં છે. જે મામલે બે દિવસથી કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારો પાલિકા કચેરી બહાર પ્રતિક ધરણા પર બેઠા હોવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં તમામ સફાઈ કામદારોએ અખીલ ભારતીય સફાઈ મજદુર સંઘના નેજા હેઠળ ઈચ્છામૃત્યુની મંજુરી આપવાની રાજ્યપાલ સહિત મુખ્યમંત્રીને લેખીત જાણ કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી અંદાજે ૨૫૦થી વધુ વાલ્મીકી સમાજના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારો કામ કરી રહ્યાં છે. ત્યારે કોન્ટ્રાક્ટર કે પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામદારોનો નિયમીત પગાર ચુકવવામાં આવતો નથી. જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે.
જ્યારે આવી સ્થિતિમાં તાજેતરમાં અચાનક પાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતની લેખીત જાણ કે નોટીસ વગર ૬૦ જેટલા સફાઈ કામદારોને નોકરીમાંથી છુટ્ટા કરી દેવામાં આવ્યાં છે. જે મામલે ગત તા.૨૨ જાન્યુઆરીથી સફાઈ કામદારો પાલિકા કચેરી બહાર પ્રતિક ધરણા પર બેસી વિરોધ કરી રહ્યાં છે.
પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામદારોની લેખીત રજૂઆતનો પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી કે સત્તાધીશો દ્વારા પણ છાવણીની મુલાકાત લેવામાં આવી ના હોવાનું સફાઈકર્મીઓ જણાવી રહ્યાં છે. આમ તંત્ર દ્વારા કોઈ જ હકારાત્મક વલણ ન દાખવતા તેમજ કોઈ જ ઉકેલ ન આવતાં અખીલ ભારતીય સફાઈ મજદુર સંઘના નેજા હેઠળ પ્રતિક ધરણા પર બેસેલા તમામ સફાઈ કામદારોને ઈચ્છામૃત્યુની મંજુરી આપવાની માંગ સાથે રાજ્યપાલ અને રાજ્યના મુખ્યમંત્રીને પત્ર દ્વારા લેખીત જાણ કરવામાં આવી છે.