સુરેન્દ્રનગર શહેરમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગર શહેરમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું 1 - image


- બસ સ્ટેન્ડ રોડ પર આર્ટસ કોલેજ સામે જ ચાલતો ધંધો

- એલસીબી પોલીસે રેઈડ કરી,સ્પાના સંચાલકો, ગ્રાહક અને પાંચ રૂપલલનાઓ સહિત 8 ની ધરપકડ કરાઇ

સુરેન્દ્રનગર : સ્થાનીક પોલીસને અંધારામાં રાખી સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બસ સ્ટેન્ડ રોડ પર આર્ટસ કોલેજ સામે કોમ્પલેક્ષમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર રેઈડ કરી યુવતીઓ સહિત સ્પાના સંચાલકોને ઝડપી પાડયા હતા. સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સ્પા સેન્ટરના નામે કુટણખાનું સહિતની અસામાજીક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી જે અંગે સ્થાનીક પોલીસને જાણ હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતાં લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો .

 સુરેન્દ્રનગર શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આર્ટસ કોલેજ સામે આવેલ એક કોમ્પલેક્ષમાં છેલ્લા ઘણા સમયથી સ્પાની આડમાં કુટણખાનુ સહીતની અસામાજીક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની બાતમીના આધારે એલસીબીના પોલીસ કર્મચારીએ ગ્રાહક બની પર્દાફાશ કર્યો હતો અને સ્પામા ચાલતા કુટણખાનામાંથી સ્પાના માલીક બે સંચાલકો અને ગ્રાહક તેમજ બહારગામથી બોલાવેલ પાંચ યુવતીઓ (રૂપલલનાઓ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

જ્યારે રેઈડ દરમ્યાન સ્પામાંથી રોકડ રૂા.૩,૪૦૦, ચાર મોબાઈલ કિંમત રૂા.૩૫,૫૦૦ સહિત કુલ રૂા.૩૮,૯૦૦નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરના ભરપોશ એવા બસ સ્ટેન્ડ રોડ પર છેલ્લા ઘણા સમયથી સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી તેમ છતાંય સ્થાનીક પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ વિસ્તારની સામે જ કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ આવેલ છે અને કોઈપણ જાતના પોલીસના ડર વગર સ્પા (મસાજ) સેન્ટરની આડમાં અસામાજીક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી જેના કારણે અનેક યુવાનો પણ આ પ્રકારના મોજશોખ પાછળ પોતાનું ભવિષ્ય અને જીવન બરબાદ કરી રહ્યાં છે ત્યારે આટલા વર્ષોથી ચાલતાં સ્પા સેન્ટર પર સ્થાનીક પોલીસે કેમ રેઈડ ન કરી ? સ્પાના માલીક અને સંચાલકોની સ્થાનીક પોલીસ સાથે મીલીભગત હશે કે કેમ ? તેવી અનેક ચર્ચાઓ હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે.

રેઈડ દરમ્યાન ઝડપાયેલ શખ્સોના નામ

સ્પાની આડમાં ચાલતાં કુટણખાનામાં રેઈડ દરમ્યાન (૧) કિશનકુમાર બારીયા રહે.સુરેન્દ્રનગર (સ્પા સંચાલક) (૨) મનસુરઅલી ભેસાણી રહે.૮૦ ફુટ રોડ (સ્પા સહસંચાલક) અને (૩) અનોપસિંહ ઉર્ફે મુન્નો સીંધવ રહે.ચોકડી તા.ચુડા  તેમજ બહારથી લાવેલ પાંચ યુવતીઓ (રૂપલલનાઓ)ને ઝડપી પાડયાં હતાં જ્યારે રેઈડ દરમ્યાન સ્પા માલીક મોસીનભાઈ નરશીદાની રહે.આણંદવાળો હાજર મળી ન આવતાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અનેક વિસ્તારોમાં સ્પાની આડમાં કુટણખાના ચાલતા હોવાની ફરિયાદો.

સુરેન્દ્રનગરના અપના બજાર રોડ, દુધરેજ રોડ સહિતના જાહેર માર્ગો પર તેમજ શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં પણ સ્પા તેમજ મસાજની આડમાં કુટણખાના ચાલતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે ત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારોમાં પણ રેઈડ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

સ્પાની આડમાં મસાજના નામે ગ્રાહકોને બોલાવી સુવિધાઓ અપાતી હતી

સ્પાની આડમાં મસાજ માટે આવતાં ગ્રાહકોને સંચાલકો તેમજ રૂપલલનાઓ દ્વારા શરીરસુખ સહિતની તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવતી હતી અને ગ્રાહકો પાસેથી મસાજ ઉપરાંત તેનો વધારાનો ચાર્જ વસુલવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું.


Google NewsGoogle News