સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં નશીલી સીરપનું ધુમ વેચાણ થતું હોવાની ચર્ચાઓ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં નશીલી સીરપનું ધુમ વેચાણ થતું હોવાની ચર્ચાઓ 1 - image


- નશીલી સીરપ સહેલાઈથી મળી જતા અનેક યુવાનો વ્યસનના રવાડે ચડતા હોવાનું અનુમાન

- તંત્ર દ્વારા નશીલી સીરપનું વેચાણ બંધ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ નશીલી સીરપનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અને સહેલાઈથી આવી સીરપો મળી જતા યુવાનો વ્યસનના રવાડે ચડી બરબાદ થઈ રહ્યાં છે ત્યારે તંત્ર દ્વારા નશીલી સીરપનું વેચાણ કરતા દુકાનદારો સહિતનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં નશીલી સીરપોનું ધુમ વેચાણ જતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેમાં શહેરી વિસ્તારોમાં આવેલ અમુક પાન પાર્લર, જનરલ સ્ટોર, પ્રોવિઝન સ્ટોર સહિતની દુકાનોમાં નશીલી સીરપનું વેચાણ થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સહેલાઈથી નશીલી સીરપ મળી જતા યુવાનો તેનો નશા તરીકે ઉપયોગ કરતા જણાઈ આવે છે અલગ-અલગ કંપનીની નશીલી સીરપોમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાથી યુવાનો વ્યસન તરીકે વધુ પસંદ કરતા હોય છે જ્યારે અમુક યુવાનો આ નશીલી સીરપમાં સોડા મીશ્ર કરી સેવન કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સામાન્ય રીતે ૧૮૦ થી ૨૩૦ સુધીમાં બજારમાં અલગ-અલગ બ્રાન્ડની નશીલી સીરપ વેચાઈ રહી છે પાન પાર્લર કે જનરલ સ્ટોરની આડમાં દુકાનદારો નશીલી સીરપનું વેચાણ કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સામાન્ય શરદી-ઉધરસની દવાની બોટલ જેવી જ નશીલી સીરપની બોટલ દેખાવમાં લાગતી હોવાથી યુવાનો બિનદાસ લઈને ફરતા હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અમુક નશીલી સીરપમાં આલ્કોહોલ સહિત નિકોટીનનું પ્રમાણ પણ આવે છે જેના કારણે યુવાનોને દારૃ જેવો જ નશો ચડતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા એક તરફ દારૃબંધીની અને વ્યસનમુક્તિની વાતો કરવામાં આવી રહી છે જ્યારે બીજી બાજુ આજનું યુવાધન નશાના રવાડે ચડી જતા પરિવારો બરબાદ થઈ રહ્યાં છે ત્યારે નશીલી સીરપોનું વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.


Google NewsGoogle News