રાજકોટના સ્પીનિંગ યુનિટના સંચાલકો દ્વારા રૂા.4.41 કરોડની છેતરપિંડી
૩ર૦૦ ગાસડી રૂ લઈ હાથ ઊંચા કરી દીધા
૮.૬૬ કરોડનો માલ લઈ અડધા પૈસા ચૂકવી ફોન સ્વીચ ઓફ કરીને છૂમંતર થઈ ગયા, ૪ સામે સાવરકુંડલામાં ફરિયાદ
અમરેલી: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી અને સાવરકુંડલામાં જીન ચલાવતા વેપારી સાથે રાજકોટની કોટેક્ષ અને સ્પીનીંગ મિલના માલિકોએ ૩ર૦૦ ગાસડી રૂ લીધા બાદ અડધા નાણા ન ચૂકવી કરોડો રૂપિયાનો છેતરપીંડી આચરવામાં આવી હતી.માલ લઈ ગયા બાદ અડધા રૂપિયા ચૂકવ્યા બાદ ફોન બંધ કરી અને મકાનો બંધ કરી જતા રહેતા વેપારીએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથક ખાતે ૪ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી અને સાવરકુંડલામાં જીનિંગ મિલ ચલાવતા એક વેપારી સાથે શ્રી સિદ્ધનાથ કોટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ડાયરેકટરો એ મળીને ૪.૪૦ કરોડથી વધુ ની છેતરપીંડી આચરી હતી.આ અંગે વેપારી પરેશભાઈ બચુભાઈ હડિયા નામના ૩૦ વર્ષીય જિનર્સે સાવરકુંડલા રૂરલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી કે,ભાલાળા દર્શનભાઇ રમણીકભાઇ,રમણિકભાઇ ચકુભાઇ ભાળાળા (બંન્ને રહે.દર્શન ઇન્દ્રપ્રસ્થ નગર હેમુગઢવી હોલ પાછળ અક્ષર માર્ગ રોડ શેરી નં. ૯/૪ રાજકોટ) તેમજ લુણાગરીયા વિરેન સુરેશભાઇ, સુરેશભાઇ ગોવિંદભાઇ લુણાગરીયા ૩,૪ (રહે.કૃષ્ણકુંજ પ્લોટ નં ૧૧/૮ શ્રી રાજ રેસીડન્સી, બીગ બજાર પાછળ, રાજ શૃંગાર પાર્ટીપ્લોટ પાછળ, ૧૫૦ ફૂટ રીંગરોડ રાજકોટ)ના સિઘ્ઘનાથ કોટેક્ષ પ્રાઇવેટ લી.ના ડાયરેકટરો તથા વહીવટદાર વેપારી છે. તેમણે વેપારીની મહાવીર કોટન ઇન્ડસ્ટ્રીઝ સાવરકુંડલાના નામની ભાગીદારી પેઢી પાસેથી દલાલો મારફતે અલગ-અલગ તારીખે કુલ ૩૨૦૦ કોટન બેલ્સ (ગાંસડીઓ) કિ.રૂ.૮,૬૬,૪૦,૨૬૭/- નો માલ ૧૫ દિવસે પેમેન્ટ ચુકવણી કરવાના વિશ્વાસ વચન અને ભરોસો આપી વેપારી પાસેથી કપાસની ગાસડીનો માલ મેળવી સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા અવાર-નવાર આ બાકી પેમેન્ટની ઉઘરાણી માટે શ્રી સિધ્ધનાથ કોટેક્ષ પ્રા.લી. ખાતે જઇ ઉપરોક્ત ચારેય આરોપીઓ પાસેથી કટકે કટકે રૂ.૪,૨૪,૫૭,૪૨૦/- ના નાણા મહાવીર કોટનના બેંક ખાતામા જમા કરાવી તે ઉપરાંતના બાકી રહેલ નાણા રૂ.૪,૪૧,૮૨,૮૪૭ નહીં ચુકવતા છેતરપીંડીની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.