વીસાવડી નજીક ડમ્પરની અડફેટે રિક્ષાચાલકનું મોત
- અકસ્માત સર્જી ડમ્પરચાલક ફરાર
- દસાડા હોસ્પિટલમાં પીએમ રૂમ ના હોવાથી લાશને પાટડી સુધી લઈ જવા પરિવારો મજબૂર
સુરેન્દ્રનગર : દસાડા તાલુકામાં વીસાવડી રોડ પર મંદિર પાસે પુરપાટ જઈ રહેલા ડમ્પરે લોડિંગ રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
વડગામ ખાતે રહેતા પિતા અને પુત્ર લોડિંગ રિક્ષામાં લાકડા ભરી જઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે દોડતા ડમ્પરના ચાલકે પાછળથી ટક્કર મારતા લોડિંગ રિક્ષા ફંગોળાઈ હતી. જેમાં રિક્ષા ચાલક મુકેશભાઈ કરશનભાઈ રાવળ (ઉ.વ.૩૧)ને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જ્યારે અકસ્માત બાદ ડમ્પરચાલક નાસી છુટયો હતો. આ અંગેની જાણ થતાં ઝીંઝુવાડા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવી હતી.
હોસ્પિટલમાં અંદાજે ૩ કલાક બાદ ડોક્ટર પીએમ અર્થે આવ્યા હોવાનો અને પીએમ ન કર્યું હોવા છતાં ફરજ પરના કોન્સ્ટેબલે વગર પીએમએ મૃતદેહનો કબ્જો આપવાની પહોંચ આપી જતા રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દસાડા સરકારી હોસ્પીટલ ખાતે પીએમ રૂમ નહિં હોવાથી ઝીંઝુવાડા આસપાસ અકસ્માતમાં મૃત્યુ થાય તો મૃતદેહને ૧૫ થી ૨૦ કિલોમીટર દુર પાટડી સરકારી હોસ્પીટલે લાવવાનો વારો આવે છે. તેમજ પીએમ પણ દસાડાના ડોક્ટર દ્વારા કરવું પડે છે અને દસાડાથી ડોક્ટર સહિત પોલીસને પાટડી સુધી લાંબુ થવું પડે છે તેમજ પરિવારજનોને પણ પીએમ માટે રાહ જોવી પડે છે ત્યારે તાત્કાલીક આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.