સુરેન્દ્રનગર પાલિકાના નિવૃત સફાઈ કામદારો નિવૃતિ બાદના લાભોથી વંચિત
- 12 જેટલા નિવૃત કામદારોને ગ્રેજ્યુઈટી અને પીએફની રકમ ચૂકવવા લેખિત રજૂઆત
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના તાજેતરમાં નિવૃત થયેલા ૧૩ જેટલા સફાઈ કામદારોને ગ્રેજ્યુઈટી અને પ્રોવિડન્ટ ફંડની રકમ તંત્ર દ્વારા ના ચૂકવાતા ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા આ અંગે ચીફ ઓફીસરને લેખિત રજૂઆત કરીને બાકીની રકમ ચૂકવવા માંગ કરી છે.
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં વર્ષ ૨૦૧૪થી રોજમદાર સફાઈ કામદારોને ખાલી જગ્યામાં સમાવેશ કરી તાજેતરમાં કાયમી કરવામાં આવ્યા છે. જે પૈકીના અનેક સફાઈ કામદારો નિવૃત થઈ ચુક્યા છે, તેમને આજ દિવસ સુધી ગ્રેજ્યુઈટી અને પ્રોવીડન્ડ ફંડની રકમ ચુકવી આપવામાં આવી છે.
પરંતુ તાજેતરમાં નિવૃત થયેલા અંદાજે ૧૨ થી ૧૩ સફાઈ કામદારોને તંત્ર દ્વારા ગ્રેજ્યુઈટી અને પ્રોવીડન્ડ ફંડની રકમ ચુકવવામાં આવી નથી. જે અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ સહિત નિવૃત સફાઈ કામદારોએ ચીફ ઓફીસરને લેખિત રજૂઆત કરી હતી અને બાકીની રકમ ચૂકવવાની માંગ કરી હતી.