સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટીના રહિશોની પાલિકાને તાળાબંધી
- સૂત્રોચ્ચાર કરી ઉગ્ર રજૂઆત કરી
- પ્રાથમિક સુવિધા અંગે અનેક રજૂઆત કરવા છતાં ઉકેલ ના આવતા રોષ ઠાલવ્યો ઃ પોલીસની સમજાવટ બાદ તાળુ ખોલ્યું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ નં.૬ કોઠારીયા રોડ પર આવેલી સુડવેલ સોસાયટીમાં રહેતા અનેક પરિવારોને વર્ષોથી પાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતા તાજેતરમાં બે થી ત્રણ વખત પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ અને ઉગ્ર રજૂઆતો કરી હતી પરંતુ કોઈ જ ઉકેલ ન આવતાં આગેવાનોની ઉપસ્થિતિમાં પાલિકાને તાળાબંધી કરી હતી. આ અંગે પોલીસની સમજાવટ બાદ તાળુ ખોલી પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆતો કરી હતી.
સુરેન્દ્રનગર સંયુક્ત ૫ાલિકાના વોર્ડ નં.૬ના વઢવાણ કોઠારીયા રોડ પર આવેલી સુડવેલ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની વિકટ સમસ્યા છે. આ વિસ્તારમાં અંદાજે ૪૦૦ થી વધુ પરિવારો વસવાટ કરે છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા પૂરતું પીવાનુ પાણી આપવામાં આવતુ નથી. હાલમાં પાંચ-છ દિવસે ગટરના પાણી મિશ્રિત પાણીનું પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો સ્થાનિકોમાંથી ઉઠી છે.
પાણી વિતરણનો પણ કોઈ ચોક્કસ સમય ના હોવાથી મહિલાઓ અને પરિવારજનોને ઘરના તમામ કામો છોડી પાણીની રાહ જોવી પડી છે અને પુરતું પાણી ન મળતા મહિલાઓને બેડા અને ડોલ લઈ દૂર રોડ સુધી પાણી ભરવા જવું પડે છે અથવા વેચાતા ટેન્કર દ્વારા પાણી મેળવવું પડે છે. તેમજ રસ્તાઓ પણ ઉબડ-ખાબડ અને બિસ્માર અને ભુગર્ભ ગટરની સફાઈના અભાવે ગટરોના પાણી રોડ પર ફરી વળ્યા છે.
આ વિસ્તારમાં ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમછતાં પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવતા રોષે ભરાયેલા સ્થાનિકો પાલિકા કચેરીએ એકત્ર થયા હતા અને કચેરીના મુખ્ય દરવાજા પર તાળુ મારી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તાળાબંધીને પગલે એ-ડિવીઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વિરોધ કરી રહેલા આગેવાનો અને રહિશોને સમજાવી મુખ્ય દરવાજાનું તાળું ખોલાવ્યું હતું. ત્યારબાદ સ્થાનિકોએ પાલિકા પ્રમુખને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે રજૂઆતો કરી હતી.
સુડવેલ સોસાયટીના રહિશોની રજૂઆત દરમિયાન પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ વોર્ડના ભાજપના મહિલા સદ્દસ્યના પતિ કશ્યપ શુક્લએ પાલિકાના કોન્ટ્રાક્ટરો ભાજપના આગેવાનો અને સદ્દસ્યોનું જ સાંભળતા અને ગણકારતા નથી તો સામાન્ય પ્રજાનું કેવી રીતે સાંભળે તેવો જાહેરમાં આક્ષેપ કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.
સુડવેલ સોસાયટીની મહિલાઓ સહિતના રહિશોએ થોડા દિવસો પહેલા પાલિકા કચેરીએ પ્રાથમિક સુવિધાઓ મુદ્દે થાળી-વેલણ વગાડી ઉગ્ર રજુઆતો કરી હતી. પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ જ પગલા લેવામાં ન આવતા રહિશોમાં રોષ જોવા મળ્યો હતો અને પાલિકા કચેરી ખાતે તાળાબંધી કરી હતી.