સુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર રહિશો અને મહિલાઓએ ચોરીના બનાવ અંગે ચક્કાજામ કર્યો
- વઢવાણ પોલીસ ચોકી પાસે ચક્કાજામ કરી રોષ દાખવ્યો
- પોલીસ દ્વારા ચોરીના આરોપીને રહિશો સમક્ષ ન દેખાડતા કર્યો ચક્કાજામ
- વિશ્વકર્મા ટાઉનશીપ સહિત આસપાસના વિસ્તારોમાં ચોરીના બનાવો બન્યા હતા
- ચક્કાજામને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર આવેલ વઢવાણ પોલીસ ચોકી પાસે સ્થાનીક રહિશો અને મહિલાઓએ પોલીસ દ્વારા ચોરીના બનાવમાં ઝડપી પાડેલ આરોપીને પોતાની સમક્ષ રજુ કરી જોવાની માંગ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા નિયમ મુજબ આરોપીને ન દેખાડતા રોષે ભરાયેલા રહિશોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો જેને પગલે હાઈવે પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં દિન-પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યાં છે અને તસ્કરોને જાણે પોલીસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે છેલ્લા થોડા દિવસોમાં હાઈવે પર આવેલ વિશ્વકર્મા ટાઉનશીપ સહિત આસપાસના વિસ્તારોમાં આવેલ મકાનોમાં ચોરીના બનાવો બન્યા હતા જેમાં રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરીના બનાવ બન્યા હતા. જે અંગે ભોગ બનનાર મકાનમાલીકોએ પોલીસ મથકોએ ફરિયાદ નોંધાવી હતી જેના ભાગરૃપે વઢવાણ પોલીસે ચોરી કરનાર શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પરંતુ રોષે ભરાયેલા સ્થાનીક રહિશો અને આગેવાનો ઝડપાયેલ આરોપીને જોવા માટે પોલીસ મથકે ઉમટી પડયા હતા અને ત્યાં આરોપીને તેમની સમક્ષ રજુ કરવાની માંગ કરી હતી. પરંતુ પોલીસે નિયમ મુજબ પોલીસે ઝડપાયેલ આરોપી તેમની સમક્ષ રજુ નહિં કરી શકે તેમ જણાવ્યું હતું આથી સ્થાનીક રહિશો અને મહિલાઓએ સુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર આવેલ વઢવાણ પોલીસ ચોકી પાસે રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો અને પોલીસની કામગીરી સામે રોષ દાખવ્યો હતો. જ્યારે સ્થાનીકોના ચક્કાજામને પગલે હાઈવે પર રોડની બન્ને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી રહી હતી અને અનેક નાના-મોટા વાહનો સહિત એસ.ટી. બસ પણ ટ્રાફિકજામમાં ફસાતા મુસાફરોને હાલાકી પડી હતી. જ્યારે આ અંગેની જાણ થતાં વઢવાણ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ હાથધર્યો હતો. પરંતુ લાંબા સમય સુધી મામલો થાળે પડયો નહોતો અને કલાકો બાદ ખાત્રી આપ્યા બાદ ચક્કાજામ કરી રહેલા લોકોને સ્થળ પરથી હટાવી હાઈવે પર વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.