જમીન બાબતે કોર્ટમાં કરેલી ફરિયાદ મુદ્દે હુમલો કર્યાની રજૂઆત

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
જમીન બાબતે કોર્ટમાં કરેલી ફરિયાદ મુદ્દે હુમલો કર્યાની રજૂઆત 1 - image


- રતનપરના ખેડૂતને મારી નાખવાની ધમકી

- ગુનો દાખલ કરવા તથા પોલીસ પ્રોટેક્શનની જિલ્લા પોલીસવડા પાસે માંગ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના  રતનપરમાં રહેતા ખેડુતે ધ્રાંગધ્રાના નવલગઢ ગામની સીમમાં આવેલી જમીન બાબતે કોર્ટમાં કરેલી ફરિયાદનું મનદુઃખ રાખી ૬ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભોગ બનનારે કડક કાર્યવાહી કરી રક્ષણ આપવાની માંગ સાથે જિલ્લા પોલીસવડાને લેખીત રજૂઆત કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ રતનપર વિસ્તારમાં રહેતા ખેડુત મહાદેવભાઈ પ્રજાપતિને પોતાની નવલગઢ ગામની સીમમાં આવેલી ખેતીની જમીન બાબતે અમુક શખ્સો દ્વારા છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ધ્રાંગધ્રા કોર્ટમાં કરી હતી. જેનો દાવો હાલ પેન્ડિંગ છે. કોર્ટ દ્વારા તમામ ૬ શખ્સોની આગોતરા જામીન અરજી પણ મંજુર કરવામાં આવી નથી અને હજુ સુધી પોલીસ દ્વારા પણ ૬ શખ્સો સામે ગુનો નોંધી ફરિયાદ કરવામાં આવી નથી.

 જે દરમિયાન ધ્રાંગધ્રા કોર્ટમાં વકીલને મળવા આવતી વખતે અરજદાર પર ધ્રાંગધ્રા-હળવદ રોડ ઉપર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને કોર્ટમાં કરેલો દાવો પરત ખેંચી લેવા જણાવ્યું હતું. જે અંગેની જાણ પણ ધ્રાંગધ્રા પોલીસ મથકે કરવા છતાં શખ્સોની ધરપકડ કે ફરિયાદ નોંધવામાં આવી નથી. 

જ્યારે માલીકીના ખેતરમાં તા.૨૯ ઓકટોબરને રવિવારના રોજ ફેન્સીંગ કરવા અરજદાર સહિતનાઓ જવાના હોય તમામ શખ્સો દ્વારા હુમલો કરી જાનથી મારી નાંખવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. જેથી તમામ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવાની અને પોલીસ પ્રોટેકશન આપવાની માંગ કરી છે.



Google NewsGoogle News