સુરેન્દ્રનગર અને 80 ફુટ રોડને જોડતા ઓવરબ્રીજ પર પડેલ ગાબડુ રાતોરાત રીપેર કરતા ચર્ચાઓ

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગર અને 80 ફુટ રોડને જોડતા ઓવરબ્રીજ પર પડેલ ગાબડુ રાતોરાત રીપેર કરતા ચર્ચાઓ 1 - image


- અવાર-નવાર ઓવરબ્રીજ પર ગાબડા પડતા નબળી કામગીરી સામે આવી

- અંદાજે રૂા. 40 કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરને ૮૦ ફુટ રોડ સાથે જોડતા ઓવરબ્રીજ પર વારંવાર ગાબડા પડવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે ફરી ઓવરબ્રીજ પર ગાબડુ પડતા રાતોરાત તંત્ર દ્વારા ગાબડાનું રીપેરીંગ કામ કરી નાખવામાં આવતાં તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ શહેરી વિસ્તારમાં વધી રહેલી ટ્રાફીકની સમસ્યાનો ઉકેલ આવે તેવા હેતુથી સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા રેલ્વે વિભાગ સાથે સંકલન કરી અંદાજે રૂા.૪૦ કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો હતો અને તેનું પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ ખુબ જ ઓછા સમયમાં ઓવરબ્રીજની નબળી કામગીરી સામે આવી છે અને અત્યાર સુધીમાં ઓવરબ્રીજની વચ્ચોવચ્ચ ચાર થી પાંચ વખત મસમોટા ગાબડા પડી જતા જવાબદાર કોન્ટ્રાક્ટર સહિત તંત્ર સામે ક્યાંકને ક્યાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં ફરી ઓવરબ્રીજ પર ગાબડું પડતાં વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને અકસ્માત થવાની પણ દહેશત સેવાઈ રહી છે. આથી રાતોરાત તંત્ર દ્વારા ઓવરબ્રીજ પર પડેલ ગાબડાનું મોડીરાત્રે રીપેરીંગ હાથધરવામાં આવતાં પ્રજાજનોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો અને ઓવરબ્રીજની હલકી ગુણવત્તા અને કોન્ટ્રાક્ટર તેમજ તંત્રની મીલીભગતથી નબળી કામગીરી થઈ હોવાનું સામે આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કરોડોના ખર્ચે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો હતો પરંતુ અવાર-નવાર પુલ પર ગાબડા પડતા લોકોમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો પણ ઉભા થયા છે અને આ અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથધરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


Google NewsGoogle News