ચોટીલામાં વીજચેકીંગમાં ગયેલી ટીમ સાથે માથાકુટ કરવા મામલે સામસામે પોલીસ ફરીયાદ નોંધાઇ
- ડોક્ટર વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધાયો
- ચેકીંગ ટીમના કર્મચારી વિરૂધ્ધ ગાળો આપી માર માર્યાની ફરીયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર : ચોટીલાની અમિધારા સોસાયટીમાં વીજચેકીંગ માટે ગયેલી ટીમ સાથે ડોક્ટર દ્વારા ઝપાઝપી કરવાનો બનાવ બન્યો હતો ત્યારે આ મામલે બન્ને પક્ષ દ્વારા ચોટીલા પોલીસ મથકે સામસામી ફરીયાદ નોંધાવવામાં આવતા ચોટીલા પોલીસે બન્નેની ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ચોટીલા પીજીવીસીએલમાં ફરજ બજાવતા કેવલકુમાર કિશોરભાઇ જૈન સહીતની ટીમ અમિધારા સોસાયટીમાં વીજચેકીંગ માટે ગઇ હતી તે દરમિયાન અમીધારા સોસાયટીમાં રહેણાંક મકાનમાં દવાખાનું ચલાવતા ડો.જયસુખભાઇ મેમકીયાએ પીજીવીસીએલના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી કેવલકુમાર જૈનનું ગળુ દબાવી ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ કર્યા અંગેની ફરીયાદ નોંધાવી હતી.જ્યારે સામા પક્ષે ડો.જયસુખભાઇ મેમકીયાએ ચોટીલા પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે કેવલભાઇ કિશોરભાઇ જૈન સહીતની ટીમ દ્વારા હોસ્પિટલમાં વીજચેકીંગ દરમિયાન ફોટો અને વિડીયો શુટીંગ ઉતારતા હોય ડો.જયસુખભાઇએ ફોટો અને વિડીયો લેવાની ના પાડતા પીજીવીસીએલના કર્મચારી કેવલભાઇ જૈન દ્વારા ડોક્ટર સાથે ઝઘડો કરી ગાળો આપી ડાબા હાથની આંગળી મરડી ફ્રેક્ચર જેવી ઇજા કર્યાં અંગે ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. ડોક્ટર અને પીજીવીસીએલની ટીમ વચ્ચે ઝપાઝપી બાદ બન્ને પક્ષે સામસામી ફરીયાદ નોંધાવતા ચોટીલા પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.