સુરેન્દ્રનગરની યુવતીની લાશ મુદ્દે પોલીસે મંગેતર સામે ફરિયાદ નોંધી

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગરની યુવતીની લાશ મુદ્દે પોલીસે મંગેતર સામે ફરિયાદ નોંધી 1 - image


- કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી હતી

- યુવતીને મરવા મજબૂર કર્યાનો યુવક સામે ગુનો નોંધાયો : મૃતકના પરિવારની ફરિયાદ લેવાની પોલીસે ના પાડી હતી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં રહેતી યુવતી શંકાસ્પદ હાલતમાં ગુમ થયા બાદ મંગેતર દ્વારા આ મામલે પોલીસ મથકે જાણ કરી હતી અને પોલીસે ફાયર ફાયટર અને તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરી હતી. જેમાં ખેરાળી ગામ પાસેથી પસાર થતી કેનાલના સાયફનમાંથી યુવતીની લાશ મળી આવી હતી. જે મામલે મૃતક યુવતીના પરિવારજનો જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા પરંતુ પોલીસ મથકે ફરિયાદ ના નોંધી પરિવારજનોને ધક્કા ખવડાવ્યા હતા. આ અંગે જિલ્લા પોલીસવડાને રજુઆત કર્યા બાદ મંગેતર યુવક સામે ફરિયાદ નોંધાઈ હતી.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતી યુવતી કિંજલ ઝીંઝુવાડિયા જન્માષ્ટમીના તહેવાર પર મુળીના શેખપરના મંગેતર યુવક રાહુલ સાથે ફરવા ગઈ હતી. તે દરમિયાન તેણી અચાનક ગુમ થઈ ગઈ હતી. જે અંગેની જાણ યુવકે ૧૩ દિવસ બાદ પોલીસ મથકે કરી હતી અને તેની સામે જ યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું જણાવ્યું હતું.  યુવતીને આઇલવયુ ન કહેતા કેનાલમાં કુદી હોવાનું પણ જણાવ્યું હતું. 

યુવકે પોલીસ મથકે જાણ કર્યા બાદ ખેરાળી પાસેથી પસાર થતી કેનાલના સાયફનમાંથી યુવતીની લાશ મળી આવી હતી. આ સમગ્ર બનાવમાં મંગેતર જ યુવતીના મોત પાછળ જવાબદાર હોવાનું પરિવારજનોને માલુમ પડતાં તેમજ યુવકની સામે કેનાલમાં કુદવા છતાં તેણીને નહીં બચાવી બનાવ છુપાવ્યો હોવાથી યુવક પર શંકા જતા પરિવારજનો જોરાવરનગર પોલીસ મથકે યુવક સામે યુવતીને મરવા માટે મજબુર કર્યા અંગેની ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતાં પરંતુ બપોર સુધી ફરજ પરનાં પોલીસ અધિકારીએ ફરિયાદ ના નોંધી પરિવારજનોને ધક્કા ખવડાવ્યા હતા અને ફરિયાદ લેવાની ના પાડી હતી. 

આથી મૃતક યુવતીના પરિવારજનોએ આ મામલે જિલ્લા પોલીસવડા ડો.ગીરીશ પંડયાને રજુઆત કરી હતી. જેથી તેઓએ તાત્કાલીક જોરાવરનગર મહિલા પીએસઆઈને ફરિયાદ દાખલ કરવાની સુચના આપતા મોડી સાંજે યુવક સામે યુવતીને મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધી હતી.

 જ્યારે બીજી બાજુ મૃતક યુવતીના પિતા સહિત પરિવારજનો ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે આવ્યા હોવા છતાં સાંજ સુધી બેસાડી રાખ્યા બાદ ફરિયાદ લેતા સ્થાનીક પીએસઆઈ સામે પણ રોષ દાખવ્યો હતો.


Google NewsGoogle News