ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઈ બજારમાં પતંગ અને દોરીની ખરીદીમાં ઘટાડો
- પતંગ અને દોરીના ભાવમાં 10 થી 20 % વધારો
- અંતિમ દિવસોમાં સારી ધરાકી રહેવાની વેપારીઓમાં આશ
સુરેન્દ્રનગર : નાના ભુલાઓથી લઈ યુવાનો અને મોટેરાઓના મનગમતા તહેવાર એવા ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસીકોમાં આ પર્વને ધ્યાને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પતંગ અને દોરીમાં ૧૦ થી ૨૦ % જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે જેને કારણે સુરેન્દ્રનગર શહેર અને તાલુકા મથકોએ પતંગની ખરીદીમાં હાલ ઘટાડો પણ નોંધાયો છે જો કે અંતિમ દિવસોમાં ભીડ ઉમટી પડશે તેવી હાલ વેપારીઓમાં આશાઓ સેવાઈ રહી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે ત્યારે નાના ભુલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓનો મનગમતો તહેવાર એટલે ઉતરાયણ આ પર્વની લોકો ધામધુમપુર્વક વર્ષોથી ઉજવણી કરે છે. ઉતરાયણના તહેવારમાં ઝાલાવાડની શોખીન પ્રીય જનતા લાખોની કિંમતના પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યાં છે જ્યારે ચાલુ વર્ષે પતંગની બજારોમાં અંદાજે ૧૦ થી ૨૦ % જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જે અંગે પતંગ અને દોરીનું હોલસેલ વેચાણ કરતા વેપારી ફારૂકભાઈ મેમણ અને તુષારભાઈ શાસ્ત્રીના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે કાગળ, કમાન સહિત ડેકોરેશનની ચીજવસ્તુઓમાં તેમજ મજુરી કામમાં ભાવ વધારાના કારણે ગત વર્ષ કરતાં ભાવમાં વધારો થયો છે જ્યારે કોટનના ભાવના કારણે પણ દોરીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલ પતંગના એક પંજાના કાગળ અને સાઈઝ મુજબ ૨૦ રૂપિયાથી લઈ ૬૦ રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યાં છે. તેમજ ચાલુ વર્ષે ચીલ, ખંભાતી ચીલ, દિલ, પાન, ઝાલર, ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, હેપી ન્યુ યર-૨૦૨૪, ત્રીરંગા તેમજ બાળકોમાં સ્ટેચ્યુ ઓફ લીબર્ટી, બુલેટ ટ્રેન, ડોરેમોન, હનુમાન, બેનટેન, એંગ્રી બર્ડ, ત્રિરંગાની પ્રીન્ટોવાળા પતંગોનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે અને પતંગ રસીકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જયારે દોરીમાં બળેલી, ભગવાન, યુસુફ, ફાયર, ક્રિષ્ના, એપલ, સુરતી માંજો સહિતની તૈયાર દોરીઓ બજારમાં ૭૦૦ થી લઈ ૧૮૦૦ રૂપિયા સુધી વેચાઈ રહી છે. આ ઉપરાંત પતંગ રસીકો જાતે બનાવેલ અને નજર સમક્ષ પીવડાવેલ દોરી અને ટેલરનો ઉપયોગ પણ કરી રહ્યા છે દોરીમાં પણ કાપવાની અને ઢીલ દેવાની એમ અલગ-અલગ પ્રકારની દોરી પીવડાવાનો પણ ક્રેઝ છે.
અત્યારથી જ પતંગરસીકોમાં ઉતરાયણના પર્વને ધ્યાને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ ભાવ વધારો હોવાથી હાલ પતંગ અને દોરીની રીટેઈલ ખરીદીમાં ઓછી ભીડ જોવા મળી રહી છે ત્યારે અંતિમ દિવસોમાં ઘરાકી વધવાની વેપારીઓ આશંકાઓ સેવી રહ્યાં છે તેમજ સુરેન્દ્રનગર શહેરી અને જીલ્લાના વેપારીઓ ચાઈનીઝ દોરી કે તુકલ્લનું વેચાણ સામે વિરોધ દર્શાવી આ પ્રકારની કોઈપણ ચીજવસ્તુઓનું વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ નાના બાળકોથી લઈ યુવાનો અને મોટેરાઓમાં ઉતરાયણના પર્વને ધ્યાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.