રતનપરના શખ્સને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની કેદ
- ફરિયાદીને 8 લાખ વળતર પેટે ચુકવવા હુકમ
સુરેન્દ્રનગર : રતનપરના શખ્સને રૂ. ૮ લાખના ચેક રિટર્ન કેસમાં સુરેન્દ્રનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. ે રૂા.૮ લાખનો દંડ ફરિયાદીને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.
રતનપર ઓમકાર સોસાયટી વિસ્તારમાં રહેતા ફરિયાદી પ્રતિપાલસિંહ લાલુભા મસાણી સાથે શહેરના સુંદરપાર્ક વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ ફરિયાદીની ઝેરોક્ષ તેમજ સ્ટેશનરીની દુકાને અવાર-નવાર આવતા હોવાથી મિત્રતા થઈ હતી.
જે દરમિયાન વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના સમયગાળામાં મહેન્દ્રભાઈને રૂપિયાની જરૂરિયાત હોવાથી ફરિયાદીએ રૂા.૮ લાખ એક વર્ષમાં પરત ચુકવી આપવાની શરતે આપ્યા હતા. આથી વર્ષ ૨૦૨૧માં આ મુદ્દત પૂર્ણ થતાં ફરિયાદીએ અવાર-નવાર આપેલી રકમની ઉધરાણી કરતા આનાકાની કરી હતી અને ઉધરાણી કરતા રૂા.૮ લાખનો ચેક ફરિયાદીને આપ્યો હતો.
જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા સામેના ખાતામાં અપુરતું બેલેન્સ હોવાના કારણે ચેક બાઉન્સ થયો હતો. આથી ફરિયાદીએ વકીલ મારફતે નોટીસ પાઠવી હતી. તેનો પણ યોગ્ય જવાબ ન આપતા અંતે વર્ષ ૨૦૨૨માં સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
જે તાજેતરમાં ચાલી જતા ફરીયાદીના વકીલની દલીલો તથા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓના આધારે સુરેન્દ્રનગર ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ડી.એમ.ચૌહાણ દ્વારા મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણને દોષીત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો અને રૂા.૮ લાખનો દંડ ફરિયાદીને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો.