Get The App

રાણપુરનું રેલવે સ્ટેશન વાઈફાઈથી સજ્જ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ

- પીવાના પાણીની પુરતી સુવિધા નથી એક જ ટિકિટબારીથી મુસાફરો પરેશાન

Updated: May 21st, 2019


Google NewsGoogle News
રાણપુરનું રેલવે સ્ટેશન વાઈફાઈથી સજ્જ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ 1 - image


રાણપુર, તા.20 મે 2019, સોમવાર

રાણપુર તાલુકાની એક લાખ જેટલી વસ્તીના ઉપયોગ માટે બનાવેલું રેલવે સ્ટેશન આધુનિક યુગની જરૂરિયાત પ્રમાણે વાઈફાઈથી સજ્જ છે. પરંતુ લોકોને માટે પીવાના પાણીની પરબ, ટિકિટ બારી, આરામગૃહ સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ ઊડીને આંખે વળગે છે.

રાણપુર શહેર અને ૩૬ ગામોના એક લાખથી વધુ લોકો મુસાફરી કરવા મોટા ભાગે રેલવેનો ઉપયોગ કરતા હોય છે. રેલવે વિભાગે રાણપુર રેલવે સ્ટેશને વાઈફાઈ જેવી આધુનિક યુગની મુખ્ય જરૂરિયાતની સુવિધા આપી યુવાનોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ રેલવે સ્ટેશન પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે.

રાણપુર રેલવે સ્ટેશન પર સૌથી મોટી મુશ્કેલી પીવાના પાણીની છે. પરબમાં મોટાભાગે પાણી હોતું નથી અને જ્યારે હોય છે ત્યારે મુસાફરોની ભીડને કારણે કેટલાય લોકોએ તરસ્યા પાછા જવાનો વારો આવે છે. 


ટિકિટ બુક કરાવવા માટે એક જ બારી હોવાથી પેસેન્જરોની લાંબી કતારો લાગે છે. આરામગૃહની વ્યવસ્થા નહીં હોવાને કારણે લાંબી મુસાફરી કરવા માટે જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરા નહીં હોવાથી મહિલાઓ અને બાળકોની સુરક્ષા સામે અનેક સવાલો  ઊભા થઇ રહ્યા છે.

રાણપુરના સરપંચે અબ્બાસભાઇ ખલાણીએ લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે ભાવનગર ડી.આર.એમ. કચેરીએ લેખિતમાં ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.


Google NewsGoogle News