પાટડીના રાજપર ગામે જમીનનો ખોટો દસ્તાવેજ કર્યાની ફરિયાદ
- પરિવારજન અને સાક્ષી સહિત બે સામે ફરિયાદ
- ખોટો દસ્તાવેજ અને રેકોર્ડીંગ કરી જમીન હડપ કર્યાની ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં સરકારી તેમજ ખાનગી જમીનો પર ગેરકાયદેસર કબ્જો અને દબાણ સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે પાટડી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ ખેતીની જમીનના ખોટા દસ્તાવેજ અને ખોટું રેકોર્ડીંગ ઉભું કરી જમીન હડપ કર્યા અંગેની બે શખ્સો સામે ભોગ બનનાર વ્યક્તિએ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
પાટડીના રાજપર ગામે રહેતા અને સંયુક્ત ભાગીદારીવાળી રાજપર ગામની સીમમાં આવેલ સર્વે નં.૪૧૭ (જુનો સર્વે નં.૧૩૮)વાળી જમીન ધરાવતા ફરિયાદી મુકુંદભાઈ વિશાભાઈ ઘાડવીએ આ જમીન બાબતે લોન મેળવવા કાગળો કરતા સંયુક્ત ભાગીદારીવાળી જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ ગયો હોવાની જાણ થતાં આ મામલે પરિવારના ભાઈઓને પુછપરછ કરતાં કોઈએ પણ દસ્તાવેજ ન કરી આપ્યો હોવાનું જણાવ્યું હતું .
આથી આ મામલે વધુ તપાસ કરી હતી અને પાટડી મામલતદાર કચેરી ખાતે અરજી કરી દસ્તાવેજની નકલ માંગતા વેચાણ દસ્તાવેજમાં લખાવી લેનાર બસન યાકુબભાઈ રહીમભાઈ રહે.બનાસકાંઠાવાળાના નામથી દસ્તાવેજ થયો હતો અને વેચનાર તરીકે ફરિયાદીના નામ અને ફોટાના બદલે અન્ય પરિવારજન જગદીશભાઈ મનજીભાઈ ધાડવી (કાકાના દિકરા)નો ફોટો લગાવ્યો હતો તેમજ સાક્ષી તરીકે ગામમાં જ રહેતા કાન્તીભાઈ ગંગારામભાઈ બલદાણીયાની સહીઓ અને અંગુઠાનું નિશાન હતું .
આથી ફરિયાદીની સંયુક્ત ભાગીદારીવાળી ખેતીની જમીન પર ફરિયાદીના નામથી તેમના કાકાના દિકરાએ ખોટુ નામ રાખી સાક્ષી ઉભા કરી ખોટા દસ્તાવેજ કરી જમીન વહેંચી દીધી હોવાનું સામે આવ્યું હતું.
આથી ભોગ બનનાર ફરિયાદીએ ખોટો દસ્તાવેજ કરનાર કાકાના દિકરા જગદીશભાઈ મનજીભાઈ ધાડવી અને સાક્ષી તરીકે સહી કરનાર કાન્તીભાઈ ગંગારામભાઈ બલદાણીયા સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.