સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ 1 - image


- સતત બીજે દિવસે સવારથી સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વરસાદ નોંધાયો

- જીલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદથી ખેડુતો અને લોકોમાં આનંદ

- લીંબડી તાલુકામાં અંદાજે ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો અન્ય તાલુકાઓમાં માત્ર સામાન્ય વરસાદ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં સતત બીજે દિવસે જિલ્લામાં મેઘમહેર યથાવત રહી હતી. સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો સહિત મોટાભાગના દરેક તાલુકાઓમાં ઝરમરથી લઈ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની સીઝનમાં ગત વર્ષની સરખામણીએ ખુબ જ ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અનિયમીત અને અપુરતો વરસાદ રહેતા ખેડૂતો સહિત જિલ્લાવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે. 

તેવામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે અને છેલ્લા બે દિવસથી જિલ્લામાં સાર્વત્રિક ધીમીધારેથી લઈ છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. જેમાં ગત તા.૨૩ જુલાઈના સવારના ૬થી બીજા દિવસે સવારે ૬ વાગ્યા સુધી (૨૪ કલાક) જિલ્લામાં થાન તાલુકામાં સૌથી વધુ ૪૩ મીમી, મુળી તાલુકામાં ૨૦ મીમી, વઢવાણ તાલુકામાં ૧૮ મીમી, સાયલા તાલુકામાં ૧૫ મીમી, ચોટીલા તાલુકામાં ૧૧ મીમી તેમજ દસાડા અને લખતર તાલુકામાં ૦૩ મીમી વરસાદ નોંધાયો હતો. 

 જ્યારે ધ્રાંગધ્રા, ચુડા, લીંબડી તાલુકામાં વરસાદ નોંધાયો નહતો. સાર્વત્રિક વરસાદથી ખેડુતોના કપાસ સહિતના પાકોને જીવતદાન મળ્યું છે.  હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસ જિલ્લામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.



Google NewsGoogle News