સુરેન્દ્રનગર જીલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જીલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ 1 - image


- ચોટીલા તાલુકામાં સૌથી વધુ ૨ ઈંચ જ્યારે વઢવાણ તાલુકામાં ૧ ઈંચ વરસાદ નોંધાયો

- જીલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અડધો ઈંચ વરસાદ

- શહેરી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદથી ઠેરઠેર પાણીભરાતા લોકો અને વાહનચાલકોને મુશ્કેલી

- સારા વરસાદથી ખેડુતો અને લોકોમાં આનંદની લાગણી

સુરેન્દ્રનગર : હવામાન વિભાગ દ્વારા આગામી ચાર-પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૃપે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને શહેરી વિસ્તારો તેમજ જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં બે દિવસ દરમ્યાન નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. લાંબા સમયના વિરામ બાદ ફરી જીલ્લામાં વરસાદનું આગમન થતાં લોકોમાં પણ આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગની આગાહીના પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે જેમાં સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર સહિતના શહેરી વિસ્તારો તેમજ આસપાસના ગામોમાં વરસાદી વાતાવરણ વચ્ચે ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો છે. ગત તા.૨૪ ઓગષ્ટને શનિવારના રોજ જીલ્લામાં ૨૪ કલાક દરમ્યાન (સવારના ૬-૦૦ થી બીજે દિવસે સવારના ૬-૦૦ વાગ્યા સુધી)  લખતરત તાલુકામાં ૧૪ મીમી, દસાડા તાલુકામાં ૧૨ મીમી, લીંબડી તાલુકામાં ૧૦ મીમી, વઢવાણ તાલુકામાં ૮ મીમી, ધ્રાંગધ્રા અને મુળી તાલુકામાં ૬ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે બીજે દિવસે તા.૨૫ ઓગષ્ટને રવિવારના રોજ પણ સવારથી જ જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ વઢવાણ તાલુકામાં માત્ર બે કલાક એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેના કારણે શહેરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ રહેતા લોકો સહિત વાહનચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો અને પાલિકાની પ્રીમોનસુન કામગીરીની પોલ છતી થઈ હતી. જ્યારે ચોટીલા તાલુકામાં બપોરના ૧૨-૦૦ વાગ્યાથી ૪-૦૦ વાગ્યા સુધીમાં સૌથી વધુ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જીલ્લાના અન્ય તાલુકાઓ લખતર,ધ્રાંગધ્રા,મુળી,લીંબડી,ચુડા થાન, સાયલામા પણ વરસાદી માહોલ છવાયો હતો અને ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જીલ્લામાં લાંબાસમયના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતાં લોકો સહિત ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી અને કપાસ, મગફળી સહિતના પાકોને પણ એકંદરે ફાયદો થયો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ પણ જીલ્લામાં ભોથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ જીલ્લાનું વહિવટીતંત્ર સતર્ક બન્યું છે અને લોકોને પણ સાવચેત રહેવા જણાવાયું છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં ગત તા.૨૫ ઓગષ્ટના રોજ નોંધાયેલ વરસાદ (સવારના ૬-૦૦ થી સાંજના ૬-૦૦ સુધી

તાલુકાનું નામ વરસાદ (મીમીમાં)

ચોટીલા              ૫૪

વઢવાણ              ૨૫

લીંબડી              ૨૫

ચુડા                      ૨૦

થાનગઢ              ૨૦

મુળી                      ૧૯

દસાડા             ૧૭

સાયલા             ૫

લખતર             ૦૦



Google NewsGoogle News