Get The App

સુરેન્દ્રનગર જીલ્લામાં તાજેતરમાં પડેલ વરસાદને પગલે ખેડુતોને મોટાપાયે નુકશાન જતાં હાલત કફોડી

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જીલ્લામાં તાજેતરમાં પડેલ વરસાદને પગલે ખેડુતોને મોટાપાયે નુકશાન જતાં હાલત કફોડી 1 - image


- ઓગષ્ટ અને સપ્ટેમ્બર બાદ હવે ચાલુ મહિનામાં પણ વરસાદ પડતા ખેડુતોને રોવાનો વારો આવ્યો

- તૈયાર કપાસ વીણવાના સમયે વરસાદ ખાબકતા મોઢામાં આવેલ કોળીયો છીનવાયો

- સરકાર દ્વારા સાચો અને સચોટ સર્વે કરી નુકશાનીનું વળતર ચુકવવાની માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે મહિનામાં બે વખત અતિવૃષ્ટીના કારણે ખેતીમાં ભારે નુકસાન થયું હતું ત્યારે તાજેતરમાં જીલ્લામાં ફરી હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ પડતા સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર અને પાટડી પંથકમાં ખેડુતોને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે અને કપાસ સહિતના પાકો ધોવાઈ જતા ખેડૂતોના મોંઢા સુધી આવેલો કોળીયો છીનવાઇ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને ખેડુતો અલગ-અલગ પાકોનું વાવેતર કરી સમૃધ્ધ બન્યા છે જેમાં જીલ્લાના સૌથી વધુ ઉત્પાદન કપાસનું થાય છે ચાલુ વર્ષે ઝાલાવાડમાં અંદાજે ૫.૮૬ લાખ હેક્ટર જમીનમાં ખેડુતોએ મહામહેનતે કપાસ, મગફળી, સોયાબીન, એરંડા સહીતના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ ગત ઓગષ્ટ મહિનામાં જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન સતત ત્રણ દિવસ સુધી પડેલ ભારે વરસાદને પગલે ખેડુતોના કપાસ સહિતના પાકમાં નુકશાન થયું હતું અને ત્યારબાદ બચેલ કપાસનો પાક તૈયાર થયા બાદ સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત અતિભારે વરસાદ થતાં ખેડુતોને બીજી વખત આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો હતો અને હાલ બે વખત નુકશાની બાદ કપાસનો થોડો ઘણો પાક બચ્યો હતો તે કપાસ વિણવાની તૈયારીઓ ખેડુતો કરી રહ્યાં હતાં તે સમયે ફરી એક વખત તાજેતરમાં બે દિવસ પહેલા ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતાં ખેડુતોના ખેતરમાં નહિ પરંતુ તેમના નસીબમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને બાકી બચેલો કપાસ સહિતનો પાક પણ તાજેતરમાં પડેલ વરસાદમાં નષ્ટ થઈ જતા ખેડુતોની હાલત કફોડી બની છે. જીલ્લાના વઢવાણ, લખતર અને પાટડી સહિતના તાલુકાઓમાં વરસાદના કારણે ખેતરોમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે ખેડુતોએ કપાસ સહિતના વાવેતર પાછળ બીયારણ, મોંધી દવાઓનો ખર્ચ કર્યો હતો તે ખર્ચના પણ રૃપિયા નહિં નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રથમ વરસાદમાં થયેલા નુકસાની માટે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરી હતી પરંતુ સહાયના નામે માત્ર નાટક કરવામાં આવતુ હોય તેમ ખેડૂતોને આજ દિવસ સુધી એક રૃપિયાની સહાય મળી નથી અને ખેતીવાડી વિભાગ દ્વારા માત્ર કાગળ પર જ સર્વે કરવામાં આવતો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે માસમાં જ ભારે ત્રણ વાર અતિવૃષ્ટીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા જો ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાની નોબત આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લામાં છેલ્લા ત્રણ વખત અતિવૃષ્ટિના કારણે ખેડુતોને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે જેમાં કપાસ, મગફળી, એરંડા સહિતનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતા હાલત કફોડી બની છે અને આગામી દિવાળીનો તહેવાર તેમજ સામાજીક પ્રસંગો પણ આર્થિક સંકડામણના કારણે ઉકેલી નહિં શકાય તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે સરકાર દ્વારા સર્વેનું નાટક બંધ કરી ખેડુતોના ખેતરો સુધી જઈ સચોટ અને સાચો સર્વે કરી નુકશાની અંગે તાત્કાલીક સહાય ચુકવવામાં આવે તેવી ખેડુતોમાં માંગ ઉઠવા પામી છે.



Google NewsGoogle News