Get The App

સુરેન્દ્રનગર જીલ્લામાં તાજેતરમાં પડેલ વરસાદથી ખેડુતોને મોટાપાયે નુકશાન જતા હાલત કફોડી બની

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જીલ્લામાં તાજેતરમાં પડેલ વરસાદથી ખેડુતોને મોટાપાયે નુકશાન જતા હાલત કફોડી બની 1 - image


- ખેતરોમાં અગાઉના નુકશાનથી બચી ગયેલ પાક પર પણ પાણી ફરી વળતાં મુશ્કેલી

- કપાસ, મગફળી, તુવેર, એરંડા સહિતનો પાક નિષ્ફળ જતા પડયા પર પાટુ મારવા જેવી સ્થિતિ

- સરકાર દ્વારા તાત્કાલીક વળતર ચુકવવામાં આવે તેવી માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને ખેડુતો બારેમહિના અલગ-અલગ પાકોનું વાવેતર કરી સમૃધ્ધ બન્યા છે પરંતુ તાજેતરમાં કુદરત સામે ખેડુતો લાચાર બની ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને હાલ પડી રહેલ વરસાદે ખેડુતોની મહેનત પર પાણી ફેરવી દેતા ખેડુતોની હાલત કફોડી બની છે અને સરકાર દ્વારા યોગ્ય વળતર ચુકવવાની માંગ કરી રહ્યાં છે.

આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાનું સમગ્ર રાજ્ય સહિત દેશમાં કપાસના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન છે ત્યારે ચાલુ વર્ષે ઝાલાવાડના ખેડુતોએ અંદાજે ૫.૮૬ લાખ હેકટર જમીનમાં કપાસ, મગફળી, તુવેર, એરંડા સહિતના પાકોનું વાવેતર કર્યું છે જેમાં સૌથી વધુ અંદાજે ૪ લાખ હેકટર જમીનમાં કપાસનું વાવેતર કર્યું છે. શરૃઆતમાં સારૃ વાવેતર થતા ખેડુતોને ઉત્પાદન વધવાની અને સારા ભાવો મળવાની આશાઓ બંધાઈ હતી. પરંતુ ગત મહિને જન્માષ્ટમી દરમ્યાન અતિભારે વરસાદને પગલે ખેડુતોના કપાસ સહિતના પાકને મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું અને અંદાજે ૩૦ થી ૪૦ ટકા નુકશાન પહોંચતા હાલત કફોડી બનતા ખેડુતોએ સરકાર પાસે વળતરની માંગ કરી હતી જેના ભાગરૃપે સરકાર દ્વારા નુકશાની અંગે સર્વે હાથધરી વળતર ચુકવવાની જાહેરાતો કરી હતી. આ નુકશાની અંગે હજુ સર્વેની કામગીરી શરૃ કરવામાં આવી હતી ત્યાં જ ફરી વખત જાણે કુદરત રૃઢી હોય તેમ હવામાન વિાભગની આગાહીના પગલે જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડયો છે. સરેરાશ ૨ થી ૫ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ખેડુતોનો બચેલો પાક પણ નષ્ટ થઈ જતા ખેડુતોની હાલત પડયા પર પાટુ મારવા જેવી થઈ છે. જ્યારે બીજી બાતુ જે ખેડુતોએ આગોતરા કપાસનું વાવેતર કર્યું હતું તેમને કપાસનો પાક હાલ વીણવાનાનો સમય હતો ત્યારે જ વરસાદ પડતા કપાસનો સમગ્ર ફાલ નષ્ટ થઈ ચુક્યો છે અને ખેડુતોના મોઢા સુધી આવેલો કોળીયો છીનવાઈ જતા કુદરતનો બેવડો માર પડતા હાલત અત્યંત દયનીય બની છે. આથી તાજેતરમાં થયેલ નુકશાન અંગે સરકાર દ્વારા તાત્કાલીક અને ઝડપથી સચોટ રીતે સર્વે હાથધરી પુરતું વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તેમજ સરકાર દ્વારા જો ખેડુતો તરફ જોવામાં નહિં આવે અને નુકશાની અંગે વળતર ચુકવવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ખેડુતોને આત્મહત્યા કરવાનો અથવા જમીનો વેચી અન્ય ધંધા તરફ વળવાનો વારો આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.



Google NewsGoogle News