રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલ્વે ડબલટ્રેકની કામગીરી પુર્ણતાના આરે
- ઝાલાવાડ-સૌરાષ્ટ્રને લાંબા અંતરની ટ્રેનોનો લાભ મળશે
- છેલ્લા ચાર વર્ષથી ચાલતી કામગીરી 12 ફેબુ્ર. સુધીમાં પુરી થશે
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર- રાજકોટ વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલતી રેલ્વે ડબલટ્રેકની કામગીરી પુર્ણતાના આરે છે. ૧૨મી ફેબુ્રઆરી સુધીમાં આ કામગીરી પુરી થઈ જતા ઝાલાવાડ-સૌરાષ્ટ્રને લાંબા અંતરની ટ્રેનોનો લાભ મળશે તેમ જાણવા મળે છે.
આ અંગેની વિગત એવી છેકે, સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે રેલ્વેનો સિંગલ ટ્રેક હોવાથી ટ્રેનોને ક્રોસીંગ માટે રોકી દેવી પડતી હતી. આવા ક્રોસીંગથી ટ્રેનો મોડી પડતી હતી. આથી રેલ્વેતંત્ર દ્વારા ચાર વર્ષ પહેલા રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ૧૧૬.૧૭ કિ.મી.ના અંતરમાં રૂા.૧૦૫૬.૧૧ કરોડના ખર્ચે રેલ્વેના ડબલટ્રેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે કામગીરી હવે પુર્ણતાના આરે છે, અને આગામી તા.૧૨મી ફેબુ્રઆરીએ કામગીરી પુરી કરવા માટે પુરજોશમાં કામ ચાલી રહ્યું છે. હાલ આ કામગીરી આખરી તબક્કામાં બિલેશ્વરથી રાજકોટ વચ્ચે ચાલતી હોઈ બ્લોક લેવામાં આવેલ છે. જેના લીધે અનેક ટ્રેનો શોર્ટ ટર્મીનેટ કરીને સમયમાં પરિવર્તન કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે રેલ્વે ડબલ ટ્રેકની કામગીરીની સમાંતર વિદ્યુતીકરણની કામગીરી પણ ચાલી રહી છે. જે આગામી જુલાઈ-૨૩ સુધીમાં પુર્ણ થઈ જશે તેમ મનાય છે. સુરેન્દ્રનગર-અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પુર્ણ થઈ ગયેલ છે. અઠવાડીયામાં અમદાવાદ-સુરેન્દ્રનગર-રાજકોટનો રેલ્વેટ્રેક ડબલ થઈ જતા સૌરાષ્ટ્ર અને ઝાલાવાડની મુસાફર જનતાને લાંબા અંતરની વધુ અનેક ટ્રેનોનો લાભ મળશે. સુત્રોના જણાવ્યા મુજબ રેલ્વેટ્રેકની કામગીરી પુર્ણ થતા યાર્ડ અને સીગ્નલીંગના કામો ઝડપથી હાથ ધરીને પુરા કરવામાં આવશે. વિદ્યુતીકરણની કામગીરી પુર્ણ થતા અમદાવાદ-સુરેન્દ્રનગર- રાજકોટ વચ્ચે ટ્રેનોની ઝડપ વધશે અને લાંબા અંતરની ટ્રેનોની સુવિધા પણ વધશે તેમ જાણવા મળે છે.